Last Updated on by Sampurna Samachar
ઈરાનના નવા સુપ્રીમ લીડરની નિયુક્તિ
જાણો કોણ છે અલીરેઝા અરાફી?
(સંપૂર્ણ સમાચાર સેવા)
તેહરાનમાં એક અત્યંત મહત્વપૂર્ણ રાજકીય વળાંક આવ્યાના સમાચાર છે. ઇઝરાયલના ભીષણ લશ્કરી હુમલામાં આયતુલ્લાહ અલી ખામેનીના અવસાન બાદ ઈરાનના વહીવટી તંત્રે દેશની સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે આયતુલ્લાહ અલીરેઝા અરાફીને વચગાળાના સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત કર્યા છે.

અમેરિકા અને ઇઝરાયલ સાથેના વધતા જતા યુદ્ધના તણાવ વચ્ચે, ઈરાની બંધારણની કલમ ૧૧૧ હેઠળ રચાયેલી ખાસ પરિષદે આ ર્નિણય લીધો છે. દેશમાં સર્જાયેલી અરાજકતાને રોકવા અને ધાર્મિક તેમજ રાજકીય નેતૃત્વમાં સાતત્ય જાળવવા માટે અરાફીની વરણી કરવામાં આવી છે, જેઓ ખામેનીના અત્યંત વિશ્વાસુ અને કટ્ટરપંથી વિચારધારા ધરાવતા નેતા માનવામાં આવે છે.
નિષ્ણાતોની સભા કાયમી નેતા અંગે અંતિમ મહોર મારશે
વર્ષ ૧૯૫૯ માં યઝદ પ્રાંતના મેયબોદ શહેરમાં જન્મેલા અલીરેઝા અરાફી એક પ્રભાવશાળી શિયા ધર્મગુરુ છે. તેમણે દાયકાઓ સુધી ઈરાનની વિવિધ શક્તિશાળી ધાર્મિક અને બંધારણીય સંસ્થાઓમાં પાયાની ભૂમિકા ભજવી છે. તેઓ ગાર્ડિયન કાઉન્સિલના સક્રિય સભ્ય હોવાની સાથે નિષ્ણાતોની સભામાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે.
આ ઉપરાંત, તેમણે બાસીજ સંગઠનના વડા તરીકે પણ સેવાઓ આપેલી છે. અગાઉ તેમણે કોમ શહેરની મુખ્ય બેઠક પર નમાઝના ઇમામ તરીકે અને દેશની અનેક મદરેસાઓના વડા તરીકે ધાર્મિક શિક્ષણના ક્ષેત્રમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું. હાલમાં તેઓ વચગાળાના પદ પર છે, પરંતુ આગામી સમયમાં નિષ્ણાતોની સભા કાયમી નેતા અંગે અંતિમ મહોર મારશે.
અરાફીના જીવનનો સૌથી ચર્ચાસ્પદ અને મહત્વપૂર્ણ તબક્કો અલ મુસ્તફા આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયના વડા તરીકેનો રહ્યો છે. વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૮ દરમિયાન તેમના નેતૃત્વ હેઠળ આ સંસ્થાએ વૈશ્વિક સ્તરે શિયા ઇસ્લામનો પ્રસાર કરવામાં મોટી સફળતા મેળવી હોવાનું મનાય છે. અરાફીએ પોતે દાવો કર્યો છે કે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે આશરે ૫૦ મિલિયન (૫ કરોડ) લોકોને શિયા પંથની વિચારધારા અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ આંકડો તેમની ધાર્મિક વગ અને ઈરાની વિચારધારાને ફેલાવવાની તેમની શક્તિનો પુરાવો આપે છે.
નવા વચગાળાના સર્વોચ્ચ નેતા અરાફી પોતાની અત્યંત કડક અને રૂઢિચુસ્ત વિચારધારા માટે જાણીતા છે. તેઓ નાસ્તિકતા અને અન્ય પશ્ચિમી ધાર્મિક પ્રથાઓના પ્રખર વિરોધી છે. ખાસ કરીને ઈરાનમાં ગુપ્ત રીતે ચાલતા ધાર્મિક કેન્દ્રોને તેઓ દેશની સંસ્કૃતિ માટે જોખમરૂપ અને મૂર્તિપૂજા સમાન ગણે છે.
નિષ્ણાતો માને છે કે તેમના નેતૃત્વ હેઠળ ઈરાનની આંતરિક અને બાહ્ય નીતિઓ વધુ આક્રમક બની શકે છે. ખાસ કરીને પશ્ચિમી દેશો સાથેના સંબંધોમાં તેઓ કોઈપણ પ્રકારની બાંધછોડ કરવાના પક્ષમાં નથી, જે આગામી સમયમાં પ્રાદેશિક સંઘર્ષને નવો વળાંક આપી શકે છે.
યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિમાં ઈરાનને એવા નેતાની જરૂર હતી જે વહીવટી અને વૈચારિક રીતે મક્કમ હોય. ખામેનીના નિધન બાદ રચાયેલી ત્રણ સભ્યોની કામચલાઉ નેતૃત્વ પરિષદમાં રાષ્ટ્રપતિ અને મુખ્ય ન્યાયાધીશની સાથે ગાર્ડિયન કાઉન્સિલના પ્રતિનિધિ તરીકે અરાફીની પસંદગી કુદરતી રીતે જ થઈ હતી. તેમની વહીવટી ક્ષમતા અને લશ્કરી સંગઠનો સાથેના ગાઢ સંબંધોને કારણે, શાસનમાં સ્થિરતા જાળવવા માટે તેમને સર્વોચ્ચ પદની જવાબદારી સોંપવામાં આવી છે.