Last Updated on by Sampurna Samachar
ઈરાન સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા
ઈરાન પર યહૂદી વિરોધી હુમલા કરવાનો આરોપ લગાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓસ્ટ્રેલિયા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ખટાશ જોવા મળી રહી છે. એક અહેવાલ મુજબ, ઓસ્ટ્રેલિયાએ ઈરાન સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા છે. તેણે ઈરાનના રાજદૂતને પણ દેશમાંથી હાંકી કાઢ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. ઓસ્ટ્રેલિયાના સુરક્ષા ગુપ્તચર સંગઠનએ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને દેશમાં થયેલા બે હુમલા માટે જવાબદાર ઠેરવ્યા છે.
ઓસ્ટ્રેલિયાએ ઈરાન પર યહૂદી વિરોધી હુમલા કરવાનો આરોપ લગાવ્યો છે. ગયા વર્ષે ૨૦ ઓક્ટોબરે સિડનીમાં લુઈસ કોન્ટિનેન્ટલ કિચન અને ૬ ડિસેમ્બરે મેલબોર્નમાં અદાસ ઇઝરાયલ સિનાગોગ પર હુમલો કરવામાં આવ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ હુમલાઓમાં ઈરાની સરકાર સામેલ હતી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બેનીઝે આ હુમલાઓને સામાજિક એકતાને તોડનારા ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે, ઓસ્ટ્રેલિયામાં મતભેદો પેદા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
બંને દેશો વચ્ચે તણાવ વધ્યો
ગુપ્તચર એજન્સીને ટાંકીને વડાપ્રધાન અલ્બેનીઝે કહ્યું, “ASIO (ઓસ્ટ્રેલિયન સુરક્ષા ગુપ્તચર સંગઠન) પૂરતી વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે ખૂબ જ ચિંતાજનક નિષ્કર્ષ પર પહોંચ્યું છે. આમાંથી ઓછામાં ઓછા બે હુમલાઓ ઈરાની સરકાર દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યા હતા. ઈરાને આ છુપાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ASIO નો અંદાજ છે કે, હુમલાઓ પાછળ ઈરાનનો હાથ હતો.”
ઈઝરાયલ અને અન્ય પશ્ચિમી દેશોની જેમ ઓસ્ટ્રેલિયા પણ ઈરાનના પરમાણુ કાર્યક્રમની વિરુદ્ધ છે. ઓસ્ટ્રેલિયાએ અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે મળીને ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને તેના પર લાદવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને સમર્થન આપ્યું છે. ઓસ્ટ્રેલિયાએ ઈરાન પર લાદવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો પણ લાગુ કર્યા હતા, જેને ઈરાને તેના અધિકારોનું ઉલ્લંઘન માન્યું હતું, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ ઈરાન પર માનવાધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ મહિલાઓ અને લઘુમતીઓ પર દમન અને વિરોધીઓ સામે હિંસાની પણ સખત નિંદા કરી છે. વર્ષ ૨૦૨૨માં મહસા અમીનીના મૃત્યુ બાદ ઈરાનમાં વિરોધ પ્રદર્શન થયા હતા. ઓસ્ટ્રેલિયાએ આ વિરોધ પ્રદર્શનો પર કડક વલણ અપનાવ્યું અને ઈરાની અધિકારીઓ પર પ્રતિબંધો લાદ્યા હતા. ઈરાને નિંદા અને પ્રતિબંધોને દેશના આંતરિક બાબતોમાં દખલગીરી ગણાવી, જેના કારણે ઓસ્ટ્રેલિયા સાથેના સંબંધો વધુ ખરાબ થયા હતા.