Last Updated on by Sampurna Samachar
સ્મિથે આ દરમિયાન સચિન તેંડુલકરનો મહારેકોર્ડ પણ તોડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સ્ટીવ સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો છે. શ્રીલંકા પ્રવાસ પર ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપ કરી રહેલા સ્મિથે પહેલી ટેસ્ટ મેચમાં પહેલા દિવસે એક રન દોડતા જ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ૧૦,૦૦૦ રન પૂરા કર્યા છે. તેણે આ ઉપલબ્ધિ ગોલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા શ્રીલંકા વચ્ચે રમાય રહેલી બે મેચની સિરીઝની પહેલી ટેસ્ટમાં મેળવી છે.
સ્મિથે અહીં સુધી પહોંચવા માટે આ ટેસ્ટ પહેલા માત્ર એક રનની જરૂર હતી. તેણે સ્પિનર પ્રભાત જયસૂર્યાના બોલ પર એક રન લઈને ટેસ્ટમાં પોતાના દસ હજાર રન પૂરા કર્યા છે. જમણા હાથના બેટ્સમેન સ્ટીવ સ્મિથ ટેસ્ટમાં દસ હજાર રન બનાવનાર દુનિયાના ૧૫માં જ્યારે ઓસ્ટ્રેલિયાના ચોથા બેટ્સમેન બન્યા છે.
આ પહેલા ઓસ્ટ્રેલિયા માટે એલન બોર્ડર, સ્ટીવ વો અને રિકી પોન્ટિંગ ટેસ્ટ ક્રિકેટમાં ૧૦ હજાર રનના આંકડા સુધી પહોંચ્યા હતા. સ્મિથે આ દરમિયાન સચિન તેંડુલકરનો મહારેકોર્ડ પણ તોડ્યો છે. સ્મિથે સૌથી ઓછી મેચમાં ૧૦ હજાર ટેસ્ટ રન પૂરા કરી સંયુક્ત રીતે વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે.
વિન્ડીઝના દિગ્ગજ બ્રાયન લારાના નામે સૌથી ઓછી મેચમાં ૧૦ હજાર ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ છે. લારાએ ૧૧૧ ટેસ્ટ મેચમાં આ ઉપલબ્ધિ મેળવી હતી. જ્યારે સચિને ૧૨૨ ટેસ્ટ રમીને ૧૦ હજાર રનનો આંકડો પાર કર્યો હતો. સ્મિથે પોતાની ૧૧૫મી ટેસ્ટમાં ૧૦ હજાર રન બનાવ્યા છે. જ્યારે સાંગાકારાએ પણ ૧૧૫ ટેસ્ટ મેચમાં આ કમાલ કરી હતી.
સ્મિથ પાસે ૫ જાન્યુઆરીએ પોતાના ૧૦ હજાર રન પૂરા કરવાની તક હતી, પરંતુ ત્યારે તેને ભારતીય બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ તેને આ કામ કરવા દીધું નહોતું. ભારત સામે સિડની ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં જ્યારે સ્મિથ બેટિંગ કરવા ઉતર્યો તો તેના નામે ૯૯૯૫ રન નોંધાયેલા હતા. તેણે ૧૦ હજાર રન પૂરા કરવા માટે ૫ રનની જરૂર હતી. પરંતુ જ્યારે સ્મિથનો સ્કોર ૪ હતો, ત્યારે જ પ્રસિદ્ધ કૃષ્ણાએ યશસ્વીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આમ તે આ માઈલ સ્ટોનથી એક રન દૂર રહી ગયો હતો.એક્ટિવ ક્રિકેટરોમાં સૌથી વધુ ૧૨૯૭૨ રન ઇંગ્લેન્ડના જાે રૂટના નામે છે. રૂટ જલ્દી જ દ્રવિડ (૧૩૨૮૮), જેક કેલિસ (૧૩૨૮૯) અને રિકી પોન્ટિંગને (૧૩૩૭૮) પણ પાછળ છોડી શકે છે.