Last Updated on by Sampurna Samachar
ઓસ્ટ્રેલિયાના મોટા ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ
બે વર્લ્ડ કપ જીતવી એ એક મોટી સિદ્ધિ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથે અચાનક ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. વતર્માન ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટમાંથી ઓસ્ટ્રેલિયાના બહાર થયા બાદ આ સ્ટાર બેટ્સમેને આ મોટો ર્નિણય લીધો છે.
ઓસ્ટ્રેલિયા ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચ્યું હતું, પરંતુ સેમીફાઈનલમાં તે ભારત સામે ૪ વિકેટે હારી ગયું હતું, જેના કારણે તેની સફર સમાપ્ત થઈ ગઈ હતી અને આ સાથે જ સ્ટીવ સ્મિથે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
T૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમશે
સ્મિથે ચેમ્પિયન્સ ટ્રોફીની વતર્માન સિઝનમાં ઓસ્ટ્રેલિયન ટીમની કમાન સંભાળી હતી, કારણ કે નિયમિત કેપ્ટન પેટ કમિન્સ રમી રહ્યો ન હતો. ભારત સામેની સેમિફાઈનલ આ ફોર્મેટમાં તેની છેલ્લી મેચ સાબિત થઈ. આ ૩૫ વર્ષીય સ્ટાર બેટ્સમેને મેચમાં ૭૩ રનની ઇનિંગ રમી હતી, પરંતુ મેચ જીતી શક્યા નહીં.
સ્મિથ ટેસ્ટ અને T૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનું ચાલુ રાખશે. તેનો ર્નિણય કદાચ લોસ એન્જલસમાં ૨૦૨૮ ઓલિમ્પિક ગેમ્સનો ભાગ બનવાની તેની ઇચ્છાને દર્શાવે છે, જ્યાં પહેલીવાર ક્રિકેટના ૨૦-ઓવરના ફોર્મેટને સામેલ કરવામાં આવશે.
સ્મિથે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં હાર બાદ તેના સાથી ખેલાડીઓને તેના ર્નિણય વિશે જણાવ્યું અને આજે કહ્યું કે, એવું લાગે છે કે આગળ વધવાનો આ યોગ્ય સમય છે. સ્મિથે આ ર્નિણય વિશે કહ્યું કે તે એક શાનદાર સફર રહી છે અને મેં તેની દરેક ક્ષણનો આનંદ માણ્યો છે. ઘણી અદ્ભુત ક્ષણો અને અદ્ભુત યાદો રહી.
તેણે કહ્યું કે, બે વર્લ્ડ કપ જીતવી એ એક મોટી સિદ્ધિ હતી. હવે લોકો માટે ૨૦૨૭ ODI વર્લ્ડ કપની તૈયારી શરૂ કરવાની એક સારી તક છે. તેથી એવું લાગે છે કે સમય યોગ્ય છે.
ટેસ્ટ ક્રિકેટ હજુ પણ પ્રાથમિકતા છે અને હું ખરેખર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ, વેસ્ટ ઈન્ડિઝ અને પછી ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે રમવાની રાહ જોઈ રહ્યો છું. મને લાગે છે કે આ પ્લેટફોર્મ પર મારે હજુ ઘણું યોગદાન આપવાનું છે.