Last Updated on by Sampurna Samachar
ભારત અને મોદી સરકાર વિરોધી સૂત્રો જોવા મળ્યા
આ ઘટના ધાર્મિક સ્વતંત્રતા અને ઓળખ પર હુમલા સમાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઑસ્ટ્રેલિયાના મેલબોર્નમાં BAPS સ્વામિનારાયણ મંદિર પર હુમલાની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર મેલબોર્નના મિલ પાર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિર પર હુમલો કરતાં ખાલિસ્તાન સમર્થકોએ તોડફોડ કરી હતી. આ સાથે મંદિરની દીવાલો પર ઉશ્કેરણીજનક મેસેજ પણ લખ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોએ જરનૈલ સિંહ ભિંદરાનવાલેને શહીદ ગણાવ્યા અને મંદિરની દીવાલો પર તેની પ્રસંશા કરતા મેસેજ લખ્યા હતા. આ સાથે ભારત અને મોદી સરકાર વિરોધી સૂત્રો પણ લખ્યા હતા.
હિન્દુ કાઉન્સિલ ઓફ ઑસ્ટ્રેલિયાના પ્રમુખ મકરંદ ભાગવતે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, આ મંદિર શાંતિ, ભક્તિ અને એકતાનું પ્રતીક છે. એવામાં આવી ઘટના આપણી ધાર્મિક સ્વતંત્રતા અને ઓળખ પર હુમલા સમાન છે.
વિશ્વભરમાં હિન્દુ ધર્મ વિરુદ્ધ ૧૦૦ થી વધુ ઘટનાઓ બની
જોકે વિક્ટોરિયાના મુખ્યમંત્રી જેસિન્ટા એલને હજુ સુધી આ ઘટનાની જાહેરમાં ટીકા કરી નથી. તેમના કાર્યાલયે મંદિર મેનેજમેન્ટને એક વ્યક્તિગત મેસેજ મોકલ્યો હતો. તેમણે આ હુમલાને દ્વેષજનક અને ભય ફેલાવનાર કૃત્ય ગણાવ્યું હતું. એલને કહ્યું કે, વિક્ટોરિયા પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.
સપ્ટેમ્બર ૨૦૨૨માં કેનેડાના ટોરેન્ટોમાં સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર પણ ખાલિસ્તાન તરફી નારા લખવામાં આવ્યા હતા. ભારતીય હાઇ કમિશને આ ઘટનાનો સખત વિરોધ કર્યો હતો. તેમજ બ્રિટનના લેસ્ટર શહેરમાં કેટલાક અજાણ્યા લોકોએ શિવ મંદિકરમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને ધજાને નીચે ઉતારી દીધી હતી. અત્યાર સુધીમાં વિશ્વભરમાં હિન્દુ ધર્મ વિરુદ્ધ આવી ૧૦૦ થી વધુ ઘટનાઓ બની ચૂકી છે.