Last Updated on by Sampurna Samachar
૨૪ ઘર, ૪ પ્લોટ, ૪ કાર અને સોના-ચાંદીનો ભંડાર
મુઠ્ઠીભર પગારમાં કરોડોની મિલકતે સૌને ચોંકાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં ભ્રષ્ટાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કર્ણાટક રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડ (KRIDL) ના પૂર્વ ક્લાર્ક કાલકપ્પા નિદાગુન્ડી, જે એક સમયે એક સામાન્ય દૈનિક વેતન મજૂર તરીકે નોકરી કરતો હતો અને જેમનો માસિક પગાર માત્ર ૧૫,૦૦૦ રૂપિયા હતો, તેમની પાસે ૩૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ હોવાનું જાણવા મળ્યું છે.

આ સાંભળીને અધિકારીઓ પણ ઘૂમરે ચડી ગયા હતા. કોર્ટના આદેશ બાદ લોકાયુક્ત અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા ખાસ દરોડા દરમિયાન આ ચોંકાવનારો ખુલાસો થયો હતો. તપાસ બાદ જાણવા મળ્યું કે, નિદાગુંડી પાસે એવી બધી વસ્તુઓ હતી, જેની કલ્પના પણ મધ્યમ વર્ગનો વ્યક્તિ કરી શકતો નથી.
રેકોર્ડ અને સરકારી વ્યવહારોની તપાસ ચાલુ
સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, આ કમર તોડનારી મોંઘવારીમાં માત્ર ૧૫ હજાર રૂપિયામાં સામાન્ય જીવન જીવવું પણ મુશ્કેલ બની જાય છે, પરંતુ આ પૂર્વ ક્લાર્કના મુઠ્ઠીભર પગારમાં કરોડોની મિલકતે બધાને ચોંકાવી દીધા છે. તપાસમાં ૨૪ વૈભવી મકાનો, ૪ કિંમતી પ્લોટ, ૪૦ એકર ફળદ્રુપ ખેતીની જમીન, ૩૫૦ ગ્રામ સોનું અને ૧.૫ કિલો ચાંદીના દાગીના, ૪ કાર અને ૨ ટુ-વ્હીલર અને અનેક બેંક ખાતાઓ અને દસ્તાવેજોમાં કરોડોની મિલકતના પુરાવા મળી આવ્યા છે.
આશ્ચર્યજનક રીતે, આ મિલકતો માત્ર નિદાગુંડીના નામે જ નહીં, પરંતુ તેની પત્ની અને ભાઈના નામે પણ નોંધાયેલી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે, આ એક સુનિયોજિત અને સંગઠિત કૌભાંડ હોઈ શકે છે. લોકાયુક્તની પ્રાથમિક તપાસમાં બીજું એક નામ સામે આવ્યું છે, જે KRIDL ના પૂર્વ એન્જિનિયર ઝેડએમ ચિંચોલકરનું છે. એવો આરોપ છે કે, નિદાગુન્ડી અને ચિંચોલકરે મળીને કુલ ૯૬ વિકાસ પ્રોજેક્ટ્સ માટે નકલી બિલ અને દસ્તાવેજો બનાવ્યા હતા, જેના પર ક્યારેય કોઈ કામ થયું ન હતું.
આ નકલી પ્રોજેક્ટ્સના નામે સરકાર પાસેથી લગભગ ૭૨ કરોડની મોટી રકમ ઉપાડી લેવામાં આવી હતી. આ પૈસાનું શું થયું અને તે ક્યાં ખર્ચ કરવામાં આવ્યા તેની વિગતો હજુ પણ તપાસ હેઠળ છે.
કોપ્પલના ધારાસભ્ય રાઘવેન્દ્ર હિટનાલે પણ આ સમગ્ર મામલા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ એક ગંભીર મામલો છે અને રાજ્ય સરકાર તેને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. સંબંધિત વિભાગોને સંપૂર્ણ તપાસ કરવા સૂચના આપવામાં આવી છે, જેથી ગુનેગારોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં ન આવે.‘ લોકાયુક્તના અધિકારીઓ હવે એ પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે કે, શું આ મિલકત ક્લાર્કની નોકરી દરમિયાન ભ્રષ્ટ માધ્યમથી હસ્તગત કરવામાં આવી હતી કે, આ છેતરપિંડી નિવૃત્તિ પછી એન્જિનિયર ચિંચોલકર સાથે મળીને કરવામાં આવી હતી.
હાલમાં, લોકાયુક્ત ટીમે નિદાગુન્ડી અને ચિંચોલકર સામે કેસ નોંધ્યો છે. આગામી દિવસોમાં બંનેની પૂછપરછ કરવામાં આવશે અને તેમની ધરપકડ પણ થઈ શકે છે. તેમની બેંક વિગતો, મિલકતના ખરીદ-વેચાણના રેકોર્ડ અને સરકારી વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે.