આ કેસમાં ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ ગ્રામ્ય પોલીસની અસલાલી પોલીસને માહિતી મળી હતી કે કાસીન્દ્રા ગામની સીમ તાજપુરથી વિસલપુર જતી નાની કેનાલ પર દારૂનું કટીંગ ચાલી રહ્યું છે. જેને આધારે પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ કરતા રૂ. ૧૦,૩૩,૪૯૨ નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તે સિવાય પોલીસે બે વાહનો પણ કબજે કર્યા હતા. જેમાં એક કાર નંબરપ્લેટ વગરની હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે દારૂ અને બે વાહનો મળીને કુલ રૂ. ૧૭,૩૩,૪૯૨ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આ કેસમાં ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે. જેમાં રાજેન્દ્રસિંહ ઉર્ફે ભોલો દિલીપસિંહ પરમાર, મહિન્દ્રા બોલેરો અને સેવરોલેટ કારના બે માલિક સહિત ચાર શખ્સોનો સમાવેશ થાય છે. આ કામગીરી અસલાલી પોલીસ સ્ટેશનના પીઆી એન.એચ.સનસેટા, પીએસઆઈ એચ.જે.મુછાળા અને તેમની ટીમે બજાવી હતી.