Last Updated on by Sampurna Samachar
પોલીસે માતા, પુત્ર સહિત ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધ્યો
સુખસર ગામના વાસણ તથા ફર્નિચરના વેપારી સાથે છેતરપિંડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દાહોદના વેપારીને લોન બાબતે છેતરપિંડી થઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ૫૦ લાખની લોન અપાવવાનું કહી ૧૪ લાખ પડાવી લેવામાં આવ્યા હતા. જે મામલે માતા, પુત્ર સહિત ત્રણ આરોપીઓ સામે જે.પી. રોડ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામે રહેતા વાસણ તથા ફર્નિચરના વેપારી મેહુલકુમાર વસંતભાઇ પંચાલે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારે ધંધા માટે લોનની જરૂરિયાત હોઇ વડોદરા અક્ષર ચોક પાસે સિગ્નટ હબ કોમ્પલેક્સમાં આવેલી સહયોગ ફાઇનાન્સની ઓફિસમાં મળવા ગયા હતા.
લોન મંજૂર કરાવવા માટે 14 લાખ ચૂકવ્યા
ઓફિસમાં હાજર મહિલાએ પોતાની ઓળખાણ નયનાબેન મહીડા તથા ત્યાં હાજર એક ભાઇની ઓળખાણ પોતાના દીકરા તરીકે આપી હતી. તેઓએ કહ્યું હતું કે, અમે આજ સુધી ઘમાં લોકોને ધંધા માટે કરોડો રૂપિયાની લોન કરાવી આપી છે. માર્કેટમાં ફરતા અન્ય એજન્ટો જેટલું કમિશન પણ અમે લેતા નથી.
ત્યારે બંનેએ ૧૫ થી ૨૦ દિવસમાં લોન કરાવી આપવાનો ભરોસો આપ્યો હતો. મેં તેઓને ફી પેટે ૪,૫૦૦ તથા કમિશન પેટે રોકડા દોઢ લાખ આપ્યા હતા. ત્યારબાદ તેઓએ કામ ઝડપથી કરવા માટે વિજયભાઇ સાવલીયાનો સંપર્ક કરાવ્યો હતો.
મેં લોન મંજૂર કરાવવા માટે તમામને કુલ ૧૪.૦૩ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. અમે વિજય સાવલીયાના ઘરે પરિવાર ચાર રસ્તા નજીક લોન બાબતે વાતચીત કરવા ગયા ત્યારે તેઓએ કહ્યું હતું કે, તમારી લોન પણ નહીં થાય અને રૂપિયા પણ પરત મળશે નહીં.