Last Updated on by Sampurna Samachar
ગિલની સાથે જયસ્વાલ, સાઈ સુદર્શનની એશિયા કપ ટીમમાં એન્ટ્રી થઈ શકે
ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં સિલેક્શન થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
આગામી ૯ સપ્ટેમ્બરથી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન UAE માં એશિયા કપ ૨૦૨૫ રમાશે. ત્યારે એશિયા કપમાં ભારતીય ટીમમાં આ ૨ ખેલાડીઓની એન્ટ્રી થઈ શકે છે, જેને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં દાવો કરાયો છે કે શુભમન ગિલની સાથે યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શન ભારતની એશિયા કપ ટીમમાં એન્ટ્રી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં થવાની શક્યતા છે.
ટીમ ઈન્ડિયાના વ્યસ્ત શેડ્યૂલને કારણે યશસ્વી જયસ્વાલ અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ છેલ્લા એક વર્ષથી કોઈ પણ T૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી શક્યા નથી. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે ૩૦ જુલાઈ ૨૦૨૪ના રોજ પલ્લેકેલેમાં શ્રીલંકા સામે છેલ્લી T૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જોકે, હવે આ બંને બેટ્સમેન એશિયા કપ ૨૦૨૫ ટુર્નામેન્ટમાં એન્ટ્રી કરી શકે છે. બીજી બાજુ સાઈ સુદર્શને ફક્ત એક જ T૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
એશિયા કપ ૨૦૨૫ માટે ૧૭ સભ્યોની ટીમની મંજૂરી
સાઈ સુદર્શન ૭ જુલાઈ ૨૦૨૪ના રોજ ઝિમ્બાબ્વે સામે એકમાત્ર T૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો. અહેવાલો અનુસાર, સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા જેવા વિકલ્પો હોવા છતાં, BCCI શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શનને એશિયા કપ ૨૦૨૫ ટીમમાં સમાવવાનું વિચારી રહ્યું છે.
BCCI ના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘પાંચ અઠવાડિયાનો વિરામ છે. ક્રિકેટ ન હોવાને કારણે અને સંજુ સેમસન અને અભિષેક શર્માના બેસ્ટ પ્રદર્શન છતાં, આ ત્રણેયને T૨૦ ટીમમાં સ્થાન મળવું જોઈએ. જો કોઈ એશિયા કપના ૨૧ દિવસમાં ફાઇનલ સુધી રમે છે, તો તે ૬ T૨૦ મેચ હશે અને તે વધારે કામનો બોજ નથી, પરંતુ સ્પષ્ટપણે પસંદગીકારો આ વિકલ્પો પર કાળજીપૂર્વક વિચાર કરશે કારણ કે તેમને એશિયા કપ ૨૦૨૫ માટે ૧૭ સભ્યોની ટીમ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવી છે.‘
UAE ની પિચો અને છ મહિના પછી યોજાનારા T૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને સાઈ સુદર્શનને ટોપ ઓર્ડરમાં સ્થાન મળવું જોઈએ. સાઈ સુદર્શને ૨૦૨૩ના અંતમાં ODI ડેબ્યૂ કર્યું હતું અને તે T૨૦માં પણ શાનદાર ફોર્મમાં છે.