Last Updated on by Sampurna Samachar
અગાઉ મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશની જેમ બે પાટનગર ગણાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં તમામ રાજ્યોનું પોતાનું પાટનગર હોય છે, જ્યાંથી સમગ્ર રાજ્યનું કામકાજ થાય છે અને લોકો માટે નીતિઓ તૈયાર કરવામાં આવે છે. જોકે, કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં એક નહીં પણ બે-બે પાટનગર છે. હવે આ યાદીમાં આસામનું નામ પણ ઉમેરાશે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એલાન કર્યું છે કે, હવે ડિબ્રુગઢને પણ આસામનું પાટનગર બનાવવામાં આવશે. હાલમાં દિસપુર આસામનું પાટનગર છે. ત્યારબાદ હવે આગામી થોડા મહિનામાં ડિબ્રુગઢને બીજુ પાટનગર તરીકે વિકસાવવામાં આવશે.
આસામ પહેલા દેશના ઘણા રાજ્યોએ બે પાટનગર બનાવ્યા છે, સામાન્ય રીતે રાજ્ય સરકારો આવું એટલા માટે કરે છે, કારણ કે તેમને તે વિશેષ સ્થળ અથવા જિલ્લાનો પણ વિકાસ કરવાનો હોય છે. પાટનગર બન્યા બાદ તે જગ્યાએ ઘણા પ્રકારના કામ શરૂ થાય છે અને લોકોને પણ તેનો લાભ મળે છે.
હિમાચલ પ્રદેશના પણ બે પાટનગર છે. હિમાચલની રાજધાની શિમલા છે, પરંતુ ધર્મશાળાને શિયાળુ પાટનગર બનાવવામાં આવ્યું છે. એનો અર્થ એ કે આ પહાડી રાજ્યના પણ બે પાટનગર છે. બે પાટનગર બનાવવાનું કારણ એ હતું કે, શિયાળા દરમિયાન શિમલામાં ભારે બરફવર્ષા થાય છે, અને આવી સ્થિતિમાં રસ્તાઓ પણ બંધ થઈ જાય છે. એટલા માટે આ દરમિયાન ધર્મશાળાને પાટનગર બનાવવામાં આવે છે.
હિમાચલ પ્રદેશની જેમ ઉત્તરાખંડ પણ એક પહાડી રાજ્ય છે, જેના બે પાટનગર છે. પહેલું પાટનગર દહેરાદૂન છે અને કામચલાઉ પાટનગર ગેરસેનને બનાવવામાં આવ્યું છે. પહાડી વિસ્તારમાં પાટનગર વિકસાવવાની લાંબી માંગ બાદ ગેરસેનને બીજા પાટનગરનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રનું પાટનગર મુંબઈ છે, જે માયાનગરી તરીકે ઓળખાય છે. મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રમાં બીજુ એક પાટનગર પણ છે જેને શિયાળુ પાટનગર બનાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રનું બીજુ પાટનગર નાગપુર છે.
કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીર અને લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. ત્યારબાદ લદાખના બે પાટનગર બનાવવામાં આવ્યા. પહેલું પાટનગર લેહમાં અને બીજુ કારગિલમાં સ્થિત છે. આ રાજ્યો ઉપરાંત કર્ણાટકના પણ બે પાટનગર માનવામાં આવે છે, પહેલું પાટનગર બેંગલુરુ છે અને બેલગાવી બીજુ પાટનગર તરીકે ઓળખાય છે.