Last Updated on by Sampurna Samachar
પોલીસે ચાઈનીઝ દોરીની કુલ ૯૬૦ રીલ જપ્ત કરી
ખેતરમાં વાવેલા એરંડાના પાકની આડમાં ચાઈનીઝ દોરી છુપાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાયણ તહેવાર નજીક આવતા જ રાજ્યમાં ચાઈનીઝ દોરીના ગેરકાયદે વેપારમાં વધારો જોવા મળી રહ્યો છે. હાઈકોર્ટના કડક નિર્દેશો બાદ પોલીસ દ્વારા રાજ્યભરમાં ચાઈનીઝ દોરી વેચતા અને સંગ્રહ કરતા તત્વો સામે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી અંતર્ગત ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બિલોદરા વિસ્તારમાંથી પોલીસે ચાઈનીઝ દોરીની કુલ ૯૬૦ રીલ જપ્ત કરી છે. જપ્ત કરાયેલ દોરીની અંદાજિત કિંમત રૂ. ૨.૮૮ લાખ હોવાનું જણાવવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, વેપારીએ ખેતરમાં વાવેલા એરંડાના પાકની આડમાં ચાઈનીઝ દોરી છુપાવી રાખી તેનો ગેરકાયદે રીતે વેચાણ કરતો હતો. માણસા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે બિલોદરા ગામનો દલપુજી ઠાકોર નામનો ઈસમ મહેસાણા-હિંમતનગર હાઈવે પર આવેલા ચડાસણા તરફ જતા રોડ પાસે આવેલા સર્વે નંબર ૩૬૧ વાળા ખેતરમાં ચાઈનીઝ દોરીનું બેફામ વેચાણ કરે છે.
પ્રતિબંધિત વસ્તુઓના વેચાણનો ડે-ટુ-ડે રિપોર્ટ રજૂ કરવો પડશે
જે બાદ પોલીસ ટીમ ખેતરમાં દોડી ગઈ હતી જ્યાં ચેકિંગ દરમિયાન એરંડાની વચ્ચે પ્લાસ્ટિકના ૨૦ જેટલા કાર્ટૂન છુપાવેલા હતા, જેમાં ૯૬૦ જેટલી ચાઈનીઝ દોરીની રિલ હતી. પકડાયેલા જથ્થાની કુલ કિંમત ૨.૮૮ લાખ છે. જેને પોલીસે જપ્ત કર્યો છે.બીજી તરફ પોલીસ ચોક્કસ બાતમીને આધારે ત્રાટકી હોવા છતાં પણ આરોપી ભાગી છૂટવામાં સફળ રહેતા પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ ઉઠયા છે.
હાલ તો પોલીસ નાયલોન કે સેન્થેટીક મટીરીયલથી બનેલી દોરીના ઉત્પાદન અને વેચાણ પર કડક પ્રતિબંધ રહે તે માટે એક્શન લઈ રહી છે. આરોપી દલપુજી ઠાકોર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વનું છે કે ઉત્તરાયણ ૨૦૨૬ પહેલા ગુજરાત હાઇકોર્ટે નાયલોન અને ચાઇનીઝ માંઝામાંથી બનેલા પ્રતિબંધિત પતંગ ઉડાવવાના દોરા પર પ્રતિબંધ લાગુ કરવાના રાજ્યના પ્રયાસોની સમીક્ષા કરી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા ચાઈનીઝ દોરી અને પ્રતિબંધિત તુક્કલ જેવી જીવલેણ વસ્તુઓનું વેચાણ, સંગ્રહ કે વપરાશ કરનાર સામે કડકમાં કડક પગલાં લેવાનો આદેશ અપાયો છે. કોર્ટે તમામ જિલ્લા પોલીસ વડાઓને નિર્દેશ કર્યો હતો કે પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગેનો ડે-ટુ-ડે રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.
કોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામા મુજબ, પોલીસે આ પ્રતિબંધિત વસ્તુઓના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અથવા ઉપયોગ સંબંધિત ૫૯ ગુના નોંધ્યા હતા. અધિકારીઓએ ૧૨,૦૬૬ થી વધુ પ્રતિબંધિત દોરા અને સંબંધિત સામગ્રી – જેમ કે રીલ, સ્પૂલ, બોબિન્સ અને ટેલર, કટ દોરા જપ્ત કર્યા છે જેની કિંમત આશરે રૂ. ૩૬.૮૦ લાખ છે. વધુમાં, રાજ્યભરમાં ૭૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.