Last Updated on by Sampurna Samachar
ઉત્તરસંડા ગામમાં તસ્કરોએ પ્રોવિઝન સ્ટોરને નિશાન બનાવી
૩૦ હજારની રોકડ રકમ અને અન્ય મુદ્દામાલની ચોરી કરી ચોર પલાયન
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં ચોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે .રાજ્યમાં શિયાળામાં ઠંડી વધવાની સાથે સાથે ચોરીની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે. ખેડા જિલ્લામાં ચોરીની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં તસ્કરોએ કાયદાનો ડર મૂકીને એક પ્રોવિઝન સ્ટોરને નિશાન બનાવ્યો છે.

ઉત્તરસંડા ગામમાં આવેલી ‘ગોકુલ ડેરી અને પ્રોવિઝન સ્ટોર‘માં વહેલી સવારે બે અજાણ્યા શખ્સોએ ખાતર પાડી અંદાજે ૩૦ હજારની રોકડ રકમ અને અન્ય મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
રાત્રિ પેટ્રોલિંગ વધારવા સ્થાનિકોની માંગ ઉઠી
ઘટનાની મળતી માહિતી અનુસાર, શિયાળાની કડકડતી ઠંડીનો લાભ ઉઠાવીને બે નિશાચરો વહેલી સવારે આશરે ૪:૦૦ વાગ્યે બે નિશાચરો વહેલી સવારે હતા. તસ્કરોએ અત્યંત વ્યવસ્થિત રીતે દુકાનનું શટર તોડ્યું હતું અને અંદર પ્રવેશ્યા હતા. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે શખ્સો દુકાનમાં રાખેલી રોકડ રકમ તેમજ અન્ય કિંમતી સામાનની ફંફોસણ કરી રહ્યા છે. દુકાનદાર હેમેન્દ્રભાઈ પંડિતના જણાવ્યા અનુસાર, ગલ્લામાં રાખેલા રોકડા રૂપિયા ૩૦,૦૦૦ અને અન્ય મુદ્દામાલની ચોરી થઈ છે.
ચોરીની જાણ થતા જ દુકાનદાર હેમેન્દ્રભાઈ પંડિત તુરંત વડતાલ પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ફફડાટ વ્યાપી ગયો છે અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી રહી છે.