Last Updated on by Sampurna Samachar
દર્દીઓને સ્ટેન્ટની જરૂરિયાત ના હોવા છતાં સ્ટેન્ટ લગાવાયા
આરોગ્ય વિભાગે હોસ્પિટલ સામે કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર શહેરમાં PMJAY યોજના સંબંધિત ગંભીર ગેરરીતિનું વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. થોડા દિવસો પહેલાં JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સામે ગેરરીતિના આરોપો બહાર આવ્યા બાદ હવે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી ઓશવાળ આયુષ હોસ્પિટલ સામે રાજ્યના આરોગ્ય વિભાગે કડક પગલાં લીધા છે. શહેરમાં આ ઘટનાએ આરોગ્ય વ્યવસ્થાની પારદર્શિતા અંગે ફરી ચર્ચાઓ શરૂ કરી દીધી છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હોસ્પિટલ દ્વારા PMJAY યોજનામાં ૩૫ જેટલાં દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં હૃદય સંબંધિત સ્ટેન્ટ લગાવી યોજનામાંથી રૂપિયા ૪૨ લાખ જેટલી રકમ ક્લેઇમ કરી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આમાંથી મોટાભાગના કેસોમાં દર્દીઓને સ્ટેન્ટની જરૂરિયાત ના હોવા છતાં તેમની સારવાર કરી સ્ટેન્ટ બેસાડવામાં આવ્યા હતા.
મુખ્ય તબીબ ડૉ. શ્રીપદ ભિવાસ્કરને સસ્પેન્ડ કરાયા
આ સમગ્ર મામલો સામે આવતા રાજ્યના આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. વિભાગ દ્વારા હોસ્પિટલને રૂપિયા ૧.૨૬ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ ઓશવાળ આયુષ હોસ્પિટલનો કાર્ડિયોલોજી વિભાગ PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, જેથી હવે આ વિભાગ યોજનામાંથી કોઈપણ પ્રકારની સારવારના ક્લેમ કરી શકશે નહીં.
મહત્વની કાર્યવાહી તરીકે હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના મુખ્ય તબીબ ડૉ. શ્રીપદ ભિવાસ્કરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ર્નિણય બાદ શહેરમાં આરોગ્ય ક્ષેત્રમાં ભારે ચર્ચાનો માહોલ સર્જાયો છે. PMJAY જેવી સરકારી યોજનાઓ ગરીબ અને વંચિત લોકો માટે બનાવવામાં આવી છે અને તેમાં આ પ્રકારની ગેરરીતિ ગંભીર ઘટના છે. આરોગ્ય સેવાઓમાં વિશ્વાસ જાળવવા કડક પગલાં આવશ્યક છે.