Last Updated on by Sampurna Samachar
શીશ મહેલમાં ૨૦ લાખ ટોઇલેટ સીટ પાછળ ખર્ચ કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ સત્તા ગુમાવતા જ હવે પક્ષના વડા અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધવા લાગી છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશને PWD ને કેજરીવાલ રહેતા હતા તે સરકારી સીએમ આવાસ ‘શીશ મહેલ’ના સમારકામ પાછળ ખર્ચાની તપાસનો આદેશ આપ્યો છે.
૬, ફ્લેગસ્ટાફ રોડ બંગલોમાં કેટલો ખર્ચ થયો, જેમાં જાહેર જનતાના નાણા કેટલા વપરાયા અને કઇ કઇ વસ્તુ પાછળ બિનજરૃરી ખર્ચ કરવામાં આવ્યો તેની તપાસ કરાશે. સીવીસીએ જવાબદાર લોકોની સામે યોગ્ય કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા છે. જેને પગલે ચૂંટણી હારનારા કેજરીવાલ માટે પડયા પર પાંટા સમાન સ્થિતિ ઉભી થઇ ગઇ છે.
ભાજપે કેજરીવાલ રહેતા હતા તે સરકારી આવાસને શીશ મહેલ નામ આપ્યું છે. કેજરીવાલ આ ઘરમાં વર્ષ ૨૦૧૫ થી ઓક્ટોબર ૨૦૨૪ સુધી રહ્યા હતા. આમ આદમી પાર્ટી તરફથી આ મુદ્દે હજુ સુધી કોઇ નિવેદન આપવામાં નથી આવ્યું. સેન્ટ્રલ વિજિલંસ કમિશનને ભાજપના નેતા વિજેન્દ્ર ગુપ્તા દ્વારા બે વખત ફરિયાદ કરવામાં આવી હતી જેની નોંધ લઇને તપાસના આદેશ આપ્યા છે.
ફરિયાદમાં ભાજપના નેતા ગુપ્તાએ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલે ૪૦ હજાર વર્ગ ગજ(આઠ એકર)માં ફેલાયેલા આ આલીશાન સરકારી ભવનના નિર્માણ માટે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. રાજપુર રોડ પર પ્લોટ નંબર ૪૫ અને ૪૭ (અગાઉ ટાઇવ-વી ફ્લેટોંમાં સીનિયર અધિકારીઓ અને જજો રહેતા હતા) અને બે બંગલા સહિત સરકારી સંપત્તિઓ (૮એ અને ૮બી, ફ્લેગ સ્ટાફ રોડ)ને તોડીને નવા આવાસ સાથે ભેળવી દીધી હતી. જેનાથી ગ્રાઉંડ કવરેજ અને ફ્લોર એરિયા રેશિયો (એફએઆર) માપદંડનું ઉલ્લંઘન કરે છે. સાથે જ તેના નિર્માણ પહેલા યોગ્ય લેઆઉટ પ્લાન પણ તૈયાર કરવામાં નહોતો આવ્યો.
સીવીસીએ આ મામલે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ફરિયાદ દાખલ કરી હતી, નવેમ્બર ૨૦૨૪માં સીવીસીએ ફરિયાદને વધુ તપાસ માટે સીપીડબલ્યુડીને મોકલી આપી હતી. સીવીસીએ આશ્વાસન આપ્યું હતું કે સાચી રિપોર્ટના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ભાજપના નેતા વિજેંદ્ર ગુપ્તાએ ૨૧મી ઓક્ટોબર ૨૦૨૪ના રોજ ફ્લેગ સ્ટાફ પર સીએમ આવાસના રિનોવેશન અને ઇંટિરિયર ડેકોરેશન પર બિનજરૃરી ખર્ચા મુદ્દે સીવીસીને ફરિયાદ મોકલી હતી.
ફરિયાદમાં આરોપ લગાવાયો છે કે અરવિંદ કેજરીવાલે પોતાની અંગત સુવિધાઓ માટે કરદાતાઓના કરોડો રૃપિયા ખર્ચ કર્યા છે. આ ખર્ચ માન્ય મર્યાદા કરતા ઘણો વધુ છે. જેમાં ભ્રષ્ટાચારની પણ ગંભીર ચિંતાઓ ઉભી થઇ રહી છે. ફરિયાદમાં દાવો કરાયો છે કે ૭૭ લાખ રૃપિયા ટીવી, ૫૦ લાખ સિલ્ક કારપેટ, ૪૨ લાખ બ્રાસ રેલિંગ, ૨૦ લાખ સ્પા, ૧૮ લાખ ગરમ પાણીના જનરેટર, ૨૦ લાખ ટોઇલેટ સીટ પાછળ ખર્ચ કર્યા છે. હાલમાં સીવીસીએ પીડબલ્યુડીને જનતાના નાણાના દુરુપયોગની જીણવટથી તપાસ કરવા માટે કહ્યું છે. સાથે જ જે પણ લોકો આ માટે જવાબદાર હોય તેની સામે યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.