બાળકોમાં કેન્સર અને હાર્ટને લગતી બીમારીઓના ચિંતાજનક આંકડા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અરવલ્લી જિલ્લામાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીથી ૧૮ વર્ષથી નીચેની ઉંમરના બાળકોના આરોગ્યની ચકાસણીમાં કેન્સર અને હાર્ટને લગતી બીમારીઓ ધરાવતા શંકાસ્પદ બાળકોના મોટા પ્રમાણમાં આંકડા સામે આવ્યા છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા થોડા દિવસો પહેલા અરવલ્લી જિલ્લામાં આંગણવાડી, પ્રાથમિક શાળાથી ૧૮ વર્ષની ઉંમર સુધીના બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ચોંકાવનારા અને ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા છે. કુલ ૩૨ બાળકોને કેન્સર, ૧૮૮ બાળકોને હૃદય રોગ તેમજ ૮ બાળકોને બોલવા સાંભળવામાં તકલીફ તેમજ જુદી જુદી અન્ય બીમારીઓ ધરાવતા ૩૦૧ શંકાસ્પદ બાળકો મળી આવ્યા છે.
જિલ્લામાં ૧૮ વર્ષ સુધીના બાળકોમાં આવી ગંભીર બીમારીઓ સામે આવતા બાળકોના વાલીઓમાં પણ ચિંતા વધી છે. સાથે જ આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર માટે પણ ચિંતા ઊભી થઈ છે. જોકે આવા બાળકોને સમયસર સારવાર માટે અમદાવાદની જાણીતી સરકારી હોસ્પિટલોમાં દવા ચાલુ કરાવી દેવામાં આવી છે. જોકે શાળાના બાળકોમાં વધતું આવા રોગના પ્રમાણે લોકોની ચિંતા પણવધારી દિધી છે.ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ કરી બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ આ કાર્યક્રમ અંતર્ગત કેટલાક બાળકોમાં શંકાસ્પદ ગંભીર બીમારી જોવા મળી છે. જેથી આવા બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા સરકાર ખર્ચે સારી સારવાર મળે તે માટે પગલાં લેવાયા છે. ઉપરાંત શિક્ષકો દ્વારા પણ આવા બાળકોનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.