Last Updated on by Sampurna Samachar
સંધિવાથી વૃદ્ધો જ નહીં યુવાનો પણ પીડિત
વધતા કેસો ચિંતાનો વિષય બન્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેઠાડુ જીવન, સ્થૂળતા, આનુવંશિક્તાને પગલે હવે સંધિવાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. હાલ પ્રત્યેક પાંચમાંથી એક વ્યક્તિ સંધિવાની સમસ્યા ધરાવે છે. દેશમાં દર વર્ષે આર્થરાઇટિસના ૧૦ લાખ નવા દર્દી નોંધાય છે. હવે ૪૦ વર્ષથી ઓછી વય ધરાવનારામાં આર્થરાઇટિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં આર્થરાઇટિસ ડે ના દિવસે સંધિવાના વધતા કેસ અને યુવાનોમાં પણ તેનું વધતું પ્રમાણ ચિંતાનો વિષય બન્યા છે.
સંધિવા સામાન્ય રીતે વિવિધ સાંધાઓને અસર કરે છે અને તેની સાથે સાંધામાં દુખાવો પણ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, તે એક તીવ્ર જડતા સાથે સાંધાનો દુખાવો છે, જે પગને ખસેડવા પડકારરૂપ અને પીડાદાયક બનાવે છે. સંધિવાના સામાન્ય લક્ષણોમાં જડતા, સાંધામાં દુખાવો, સોજો મુખ્યત્વે સામેલ છે. લાંબા સમય સુધી સારવાર ન કરવામાં આવે તો સમસ્યા વકરી જાય છે. કેમકે, તે કાયમી સાંધામાં ફેરફારનું કારણ બની જાય તો તાત્કાલિક સારવાર જરૂરી બને છે.
હાઈ હીલના ચપ્પલ સંધિવા કરાવી શકે તેવુ તબીબોનુ માનવુ
આયુષ્ય વધવાની સાથે જ હાડકામાં ઘસારો થવાથી સંધિવા જેવી સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. આ ઉપરાંત યુવાનોમાં પણ હવે સંધિવાનું પ્રમાણ વધ્યું છે. જેના માટે કસરતનો અભાવ, અનિયમિત જીવનશૈલી, ફાસ્ટફૂડ, મેદસ્વિતા જેવા પરિબળો જવાબદાર છે. સંધિવાની સમસ્યા ન થાય તે માટે પ્રત્યેક વ્યક્તિએ નિયમિત કસરત-વોકિંગ કરવું જોઈએ અને ફાસ્ટફૂડ-જંક ફૂડ જેટલું ઓછું કરવામાં આવે તે હિતાવહ છે.
ડૉક્ટરોના મતે, હાઈ હીલના ચપ્પલ ફેશનનો ભાગ ભલે હોય પણ તે સંધિવા કરાવી શકે છે. તેને લાંબો સમય પહેરવાથી ઘૂંટણ અને નિતંબમાં વધારે પડતું દબાણ આવવા લાગે છે અને તેનાથી આગળ જતાં સંધિવા થઈ શકે છે. આ પ્રકારના ચપ્પલ પહેરવાથી સહેજ પણ તકલીફ પડી રહી હોય તો તેને ટાળવા જોઇએ.
મેનોપોઝ બાદ એસ્ટ્રોજન લેવલ ઘટી જાય છે. એસ્ટ્રોજનથી ઈન્ફ્લેમેશન સામે લડવામાં મદદ મળે છે. એસ્ટ્રોજન ઘટતા સંધિવાનું જાેખમ વધી જાય છે. આ ઉપરાંત મહિલાઓના સાંધા વધારે લવચીક હોય છે. સંધિવા આનુવંશિક રીતે પણ થાય છે.