Last Updated on by Sampurna Samachar
ધોરણ ૧૨ની વિદ્યાર્થિની પર મહિલા પોલીસકર્મીના પતિએ દુષ્કર્મ આચર્યું
એસ.ટી. ડેપો પરથી કારમાં બેસાડી આચર્યું કૃત્ય : હિંમત દાખવી પેપર આપ્યું, ઘરે જઈને પરિવારને જાણ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગરમાં ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાના અંતિમ દિવસે એક અત્યંત શરમજનક અને ચકચારી ઘટના સામે આવી છે. ગ્રામ્ય વિસ્તારમાંથી પરીક્ષા આપવા આવેલી એક સગીર વિદ્યાર્થિનીને કારમાં બેસાડી, નવા ઓવરબ્રિજ નીચે લઈ જઈ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં ચોંકાવનારી વિગત એ છે કે આરોપી જામનગરની એક મહિલા પોલીસ કર્મચારીનો પતિ (મૈત્રી કરારથી રહેતો) છે.

મળતી માહિતી અનુસાર, જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સગીર વિદ્યાર્થિની ૧૬મી માર્ચના રોજ પોતાનું અંતિમ પેપર આપવા માટે એસ.ટી. બસમાં જામનગર આવી હતી. ડેપો પર ઉતરતા જ ચાર દિવસ પહેલાં સંપર્કમાં આવેલો ભરત બામરોટિયા નામનો શખસ તેને મળ્યો હતો. ભરતે વિદ્યાર્થિનીને પોતાની કારમાં બેસાડી સાત રસ્તા થઈ નવા ઓવરબ્રિજ નીચેના એકાંતવાળા ભાગમાં લઈ ગયો હતો. ત્યાં કારના ડાર્ક કાચ ચડાવી, વિદ્યાર્થિનીને ધાકધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
અદાલતે આરોપીને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો
આ ઘટના છતાં વિદ્યાર્થિનીએ હિંમત હાર્યા વગર તે દિવસનું પેપર આપ્યું હતું. મોડી સાંજે જ્યારે તે ઘરે પહોંચી, ત્યારે તેના ગળાના ભાગે ઈજાના નિશાનો જોઈ માતા અને ભાઈએ પૂછપરછ કરી હતી.વિદ્યાર્થિનીએ રડતા-રડતા સમગ્ર આપવીતી જણાવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. રાત્રે જ પરિવાર જામનગર સીટી બી. ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.
ભોગ બનનાર સગીરા અને દલિત હોવાથી પોલીસે આરોપી ભરત બામરોટિયા સામે એસ્ટ્રોસિટી તેમજ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરી આરોપીની ધરપકડ કરી લીધી છે. ગુનામાં વપરાયેલી કાર, મોબાઈલ ફોન અને તે સમયે પહેરેલા કપડાં પણ કબજે કરવામાં આવ્યા છે. અદાલતે આરોપીને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે.
તપાસમાં સામે આવ્યું છે કે ભરત બામરોટિયા કારની લે-વેચનો વ્યવસાય કરે છે. તેના અગાઉ પ્રેમ લગ્ન થયા હતા અને એક સંતાન પણ છે, પરંતુ પત્ની સાથે અણબનાવ થતા તે છૂટો પડ્યો હતો.હાલમાં તે જામનગરમાં એક મહિલા પોલીસ કર્મચારી સાથે મૈત્રી કરારથી સંબંધમાં હતો અને તેની સાથે પોલીસ હેડક્વાર્ટરમાં જ રહેતો હતો. પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા શખસે જ સગીરા સાથે આવું કૃત્ય આચરતા પોલીસ બેડામાં પણ ચર્ચાઓ જાગી છે.