Last Updated on by Sampurna Samachar
રાજકોટના ધોરાજી-જેતપુર રોડ પર રિક્ષા પલટી
પેસેન્જર રિક્ષા ધોરાજીથી જેતપુર તરફ આવી રહી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ જિલ્લાના જેતપુર નજીક તત્કાલ ચોકડી પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પેસેન્જર ભરેલી એક રિક્ષા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ૯ જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ પેસેન્જર રિક્ષા ધોરાજીથી જેતપુર તરફ આવી રહી હતી ત્યારે તત્કાલ ચોકડી પાસે અચાનક પલટી મારી ગઈ હતી. રિક્ષા પલટી મારતા તેમાં સવાર તમામ નવ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ તરત જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, કેટલાક મુસાફરોને વધુ સારવારની જરૂર જણાતા તેમને ત્યાંથી જૂનાગઢ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે ફરાર રિક્ષાચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા
અકસ્માતની આ ઘટના બાદ રિક્ષાનો ચાલક તુરંત જ ત્યાંથી નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં જ જેતપુર પોલીસ તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોના નિવેદનો લેવાની તથા સમગ્ર અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ફરાર રિક્ષાચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.