Last Updated on by Sampurna Samachar
કાચા-પાકા દબાણોને JCB મશીનની મદદથી તોડી પડાયા
MGVCL અને રેવન્યુ વિભાગની ટીમની સંયુક્ત કામગીરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. MGVCL અને રેવન્યુ વિભાગની ટીમને સાથે રાખીને માર્ગની બંને બાજુએ કરાયેલા કાચા-પાકા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા અગાઉ આશરે ૨૦૦ જેટલા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી. નોટિસ મળ્યા બાદ કેટલાક દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કર્યા હતા, પરંતુ બાકીના દબાણો દૂર કરવા માટે તંત્રએ સખત કાર્યવાહી કરી હતી. દબાણકર્તાઓ દ્વારા રોડ પર કરાયેલા મકાન, દુકાન તેમજ લારી-ગલ્લા જેવા તમામ કાચા-પાકા દબાણોને JCB મશીનની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.
રસ્તાઓ પરનો ટ્રાફિક સરળ બનશે
દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ૨ PI અને ૨ PSI સહિતનો મોટો પોલીસ કાફલો સ્થળ પર તહેનાત કરાયો હતો. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને કારણે રસ્તાઓ પરનો ટ્રાફિક સરળ બનશે અને લોકોને રાહત મળશે.