Last Updated on by Sampurna Samachar
ઈરાન યુદ્ધના માહોલની વચ્ચે પાકિસ્તાનનું ભારતમાં છમકલું
જવાનોના ભારે ફાયરિંગ બાદ દુશ્મનનું ડ્રોન પરત ભાગી ગયું હતું, જે બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન જારી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી. જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર રવિવારે વહેલી સવારે ફરી એકવાર પાકિસ્તાની ડ્રોનની શંકાસ્પદ ગતિવિધિ જાેવા મળી હતી. દિગવાર સેક્ટરમાં સવારે લગભગ ૬:૧૦ વાગ્યે ભારતીય સરહદની અંદર એક ઉડતી વસ્તુ દેખાઈ હતી.

ત્યાં તૈનાત ભારતીય સેનાના જવાનોએ જેવું દુશ્મનનું ડ્રોન જાેયું કે તરત જ મોરચો સંભાળી લીધો હતો. જવાનોએ ડ્રોનને તોડી પાડવા માટે લગભગ એક ડઝન રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સેનાની આ જબરદસ્ત જવાબી કાર્યવાહીથી ગભરાઈને ડ્રોન પરત પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર તરફ ભાગી ગયું હતું.
પુંછ સેક્ટરમાં ડ્રોન ઘૂસણખોરીનો બીજાે પ્રયાસ
સરહદ સુરક્ષાની દૃષ્ટિએ આ ઘટના અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે, કારણ કે છેલ્લા ત્રણ દિવસમાં પુંછ સેક્ટરમાં ડ્રોન ઘૂસણખોરીનો આ બીજાે પ્રયાસ છે. આ અગાઉ ૨૭ ફેબ્રુઆરીએ પણ આ જ રીતે એક પાકિસ્તાની ડ્રોને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, જેને સુરક્ષા દળોએ ફાયરિંગ કરીને ભગાડી દીધું હતું. સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા તણાવનો ફાયદો ઉઠાવીને સરહદ પર કોઈ મોટી સાજીશને અંજામ આપવાની ફિરાકમાં છે.
એલઓસી પર સતત વધતી ડ્રોનની હિલચાલને જાેતા ભારતીય સેનાએ પોતાની દેખરેખ વ્યવસ્થા પહેલા કરતા વધુ કડક કરી દીધી છે. ડ્રોન પરત ભાગ્યા બાદ તરત જ ભારતીય સેના અને સ્થાનિક પોલીસ દ્વારા દિગવારની આસપાસના જંગલ વિસ્તારોમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષા અધિકારીઓને આશંકા છે કે પાકિસ્તાની ડ્રોન દ્વારા સરહદ પારથી હથિયારો, દારૂગોળો, ડ્રગ્સ અથવા રોકડ ફેંકવામાં આવી હોઈ શકે છે.
સર્ચ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે દુશ્મન દ્વારા મોકલવામાં આવેલ કોઈ પણ શંકાસ્પદ સામાન આતંકવાદીઓના હાથમાં ન પહોંચે. સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે અને શંકાસ્પદ સ્થળોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક રહેવાસીઓને પણ સતર્ક રહેવા અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુની જાણકારી તાત્કાલિક આપવા માટે કહેવામાં આવ્યું છે.