Last Updated on by Sampurna Samachar
૩ જૂના અને ૫ નવા સહિત આઠ કેબિનેટ કક્ષાના મંત્રી
મોઢવાડિયા સૌરાષ્ટ્રના એક મોટા અને અનુભવી નેતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલ, સીજે ચાવડા અને અલ્પેશ ઠાકોરની મનની મનમાં રહી ગઈ. તેમના મંત્રીપદના અભરખા તો પૂરા ન થયા. પરંતું ગત વર્ષે કેસરિયો કરનારા અર્જુન મોઢવાડિયાને સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો છે. અર્જુન મોઢવાડિયાના કેબિનેટ મંત્રી બનીને લીલી પેનથી સહી કરવાના સપના પૂરા થયા છે.
ગુજરાત સરકારનું નવુ મંત્રી મંડળ તૈયાર થઈ ગયું છે. મંત્રી મંડળમાં મુખ્યમંત્રી સહિત કુલ ૨૬ મંત્રીઓ સામેલ કરાયા. તો હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં હવે ૩ જૂના અને ૫ નવા સહિત આઠ કેબિનેટ કક્ષાના મંત્રી થયા. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ૧૭ રાજ્યકક્ષાના મંત્રીઓ રહેશે. નવી કેબિનેટમાં ત્રણ મહિલાઓને સ્થાન અપાયું. હવે કોને ક્યા ખાતા સોંપાશે તેના પર હવે સૌની નજર રહેશે. કેબિનેટ મંત્રી તરીકે જીતેન્દ્ર વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડીયા, ડૉ. પ્રદ્યુમ્ન વાજા અને રમણ સોલંકીએ હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા.
અર્જુન મોઢવાડિયાનું લીલી પેનથી સહી કરવાનું સપનુ પૂરું
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને પેટાચૂંટણીમાં વિજય મેળવનાર અર્જુન મોઢવાડિયાનું નામ મોખરે છે. મોઢવાડિયા સૌરાષ્ટ્રના એક મોટા અને અનુભવી નેતા છે. ભાજપે તેમને મંત્રી પદ આપીને તેમના અનુભવનો લાભ લેવા અને સ્થાનિક રાજકીય સમીકરણો સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો. તાત્કાલિક પક્ષપલટો કર્યા બાદ જ મંત્રીપદ મળે તો તેને એક મોટો સંકેત માનવામાં આવ્યો છે.
ભાજપ ૩૦ વર્ષથી ગુજરાતમાં સત્તામાં છે. બીજી તરફ, કોંગ્રેસ ૩૦ વર્ષોથી સત્તાથી દૂર છે. આવામાં કોંગ્રેસમાં રહીને મંત્રીપદ મળે એ અશક્ય છે. ત્યારે અર્જુન મોઢવાડિયાનું લીલી પેનથી સહી કરવાનું સપનુ ભાજપમાં આવીને જ પૂરું થયુ છે. તો બીજી તરફ, સીજે ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરના અરમાનો પૂરા ન થયા. તેમના મંત્રીપદના સપના મનમાં જ રહી ગયા. પણ મોઢવાડિયાને પક્ષપલટો ફળી ગયો તેમ કહી શકાય.