Last Updated on by Sampurna Samachar
NSUI દ્વારા DEO કચેરીએ આંદોલન કરાયું
સ્વેટર યુનિફોર્મ ખરીદી બાબતે વાલીઓ પર બેફામ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં શિયાળાની શરૂઆત સાથે કેટલીક શાળાઓમાં સ્વેટરની મનમાની સામે આવી છે. જે બાબતે ખાનગી શાળાઓની મનમાની સામે NSUI દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

NSUI ના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે, શહેરની અનેક ખાનગી શાળાઓ વાલીઓને ચોક્કસ નિર્ધારિત દુકાનો પરથી જ મોંઘા ભાવના સ્વેટર ખરીદવા માટે દબાણ કરી રહી છે. આ બાબતે અગાઉ પણ અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે શાળાઓ બેફામ બનીને વાલીઓનું આર્થિક શોષણ કરી રહી હોવાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પોલીસે NSUI ના કાર્યકરોની અટકાયત કરી
DEO કચેરીના કમ્પાઉન્ડમાં NSUI ના કાર્યકરોએ એકઠા થઈને સરકાર અને શિક્ષણ વિભાગ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર બન્યું હતું કે મામલો થાળે પાડવા માટે પોલીસની મદદ લેવી પડી હતી.
પોલીસે કચેરીમાં હંગામો કરી રહેલા અને રજૂઆત માટે મક્કમ રહેલા NSUI ના અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે શાળાઓને કડક સૂચના આપીને વાલીઓને ગમે ત્યાંથી સ્વેટર ખરીદવાની છૂટ નહીં આપવામાં આવે, તો આગામી દિવસોમાં દરેક શાળાના ગેટ પર જઈને આંદોલન કરવામાં આવશે.