Last Updated on by Sampurna Samachar
અમલસાડમાં વરરાજા સહિત ૧૫૦ થી વધુને ફૂડ પોઈઝનિંગ
પ્રસંગમાં ભોજન લીધા બાદ મોટી સંખ્યામાં મહેમાનો બીમાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવસારી જિલ્લાના અમલસાડ ગામના વિકાસ ફળિયામાં રહેતા ટંડેલ પરિવારના પ્રસંગમાં ભોજન લીધા બાદ મોટી સંખ્યામાં મહેમાનો બીમાર પડતા દોડધામ મચી ગઈ હતી. વરરાજા સહિત અંદાજે ૧૫૦ થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા લગ્નનો માહોલ હોસ્પિટલના બિછાને ફેરવાયો હતો.

મળતી માહિતી અનુસાર, ભૂપેન્દ્ર ટંડેલના પુત્ર નિલ ટંડેલના લગ્ન નિમિત્તે યોજાયેલા ભવ્ય જમણવારમાં આશરે ૧૦૦૦ જેટલા આમંત્રિતો હાજર રહ્યા હતા. મોડી સાંજે જ્યારે વરરાજાની જાન જલાલપોર જવા માટે રવાના થવાની તૈયારીમાં હતી, ત્યારે જ ભોજન લેનારા મહેમાનોમાં એકાએક ઉબકા, ઉલ્ટી અને ઝાડા જેવી તકલીફો શરૂ થઈ હતી. ખુદ વરરાજાને પણ ગંભીર અસર થતા તેમને તાત્કાલિક સારવાર લેવી પડી હતી.
એક પદાર્થમાં ગરબડથી મોટી સંખ્યામાં લોકો બીમાર પડ્યા
લગ્ન પ્રસંગના મેનુમાં છોલે-પુરી, પનીરનું શાક, દાળ-ભાત, કચુંબર, ફુલવડી અને ભૂંગળા જેવી વાનગીઓનો સમાવેશ થતો હતો. મીઠાઈમાં મહેમાનોને દૂધીનો હલવો પીરસવામાં આવ્યો હતો. આશંકા સેવાઈ રહી છે કે આ વાનગીઓમાંથી કોઈ એક પદાર્થમાં ગરબડ હોવાને કારણે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડ્યા હતા.
ઘટનાની જાણ થતા જ નવસારી આરોગ્ય વિભાગની ટીમો અમલસાડ દોડી ગઈ હતી. આરોગ્ય અધિકારી ભાવેશ પટેલે વિગતો આપતા જણાવ્યું કે, ‘દર્દીઓની સંખ્યા ૧૫૫ છે, જેમાંથી ૬૦ દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય દર્દીઓને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી છે. ગામમાં આરોગ્યની ખાસ ટીમ તહેનાત કરાઈ છે અને અન્ય ગામોમાં ગયેલા મહેમાનોની પણ તબિયત અંગે તપાસ કરવામાં આવી રહી છે.‘