Last Updated on by Sampurna Samachar
ગુજરાત મહેસુલ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર
મહેસૂલ વિભાગના પરામર્શ વગર જગ્યા ભરાશે નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત રાજ્યમાં હવે નાયબ મામલતદાર વર્ગ ૩ ની જગ્યા પર નિમણૂક કરતા પહેલા મહેસૂલ વિભાગની પૂર્વ મંજૂરી લેવી પડશે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ મહેસૂલ વિભાગના પરામર્શ વગર કોઈપણ કચેરી કે વિભાગમાં આ જગ્યાઓ ભરી શકાશે નહીં.
મહેસુલ વિભાગ દ્વારા કરાયેલા પરિપત્ર અનુસાર, રાજ્યમાં કલેક્ટર કચેરીઓ અને અન્ય વિભાગોમાં કુલ ૫૫૦૨ નાયબ મામલતદાર વર્ગ ૩ ની જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. તેમાંથી, તમામ કલેક્ટર કચેરીઓમાં ૫૧૮૬ જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત, ૧૭૩ જગ્યાઓ પ્રતિનિયુક્તિ (ડેપ્યુટેશન) દ્વારા ભરવામાં આવશે, જ્યારે ૨૭ જગ્યાઓ કલેક્ટર કચેરીઓ દ્વારા સીધી ભરવાની રહેશે. વધુમાં, ૧૧૬ નાયબ મામલતદાર વર્ગ ૩ ની જગ્યાઓ ડેપ્યુટેશન રિઝર્વ તરીકે રાખવામાં આવશે.
મહેસૂલી પ્રશાસનમાં કર્મચારીઓની નિમણૂક સુવ્યવસ્થિત બનશે
મહેસૂલ વિભાગના આ ર્નિણયનો મુખ્ય ઉદ્દેશ્ય નાયબ મામલતદારની નિમણૂક પ્રક્રિયામાં સુસંગતતા અને પારદર્શિતા જાળવવાનો છે. જોકે, આ પરિપત્રમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે અસાધારણ સંજોગો અથવા તાકીદની સ્થિતિમાં જો નાયબ મામલતદાર વર્ગ ૩ ની જગ્યા તાત્કાલિક ભરવી પડે તો પણ મહેસૂલ વિભાગ સાથે પરામર્શ કરવો અનિવાર્ય છે.
કોઈપણ વિભાગ કે કચેરીમાં નાયબ મામલતદાર વર્ગ ૩ ની જગ્યા ભરવામાં આવે કે રદ કરવામાં આવે, તેની માહિતી પણ મહેસૂલ વિભાગને આપવી ફરજિયાત છે. આ પરિપત્ર દ્વારા મહેસૂલ વિભાગે તમામ જિલ્લા કલેક્ટરોને તેમના જિલ્લામાં મંજૂર થયેલી નાયબ મામલતદાર વર્ગ ૩ ની જગ્યાઓની વિગતવાર જાણકારી આપી છે. આ પગલાથી મહેસૂલી પ્રશાસનમાં કર્મચારીઓની નિમણૂક અને વ્યવસ્થાપન વધુ સુવ્યવસ્થિત બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.