Last Updated on by Sampurna Samachar
દિલ્હી ઘટના બાદ આ નિમણૂક મહત્ત્વપૂર્ણ
ચંદીગઢના SSP અને લુધિયાણા રેન્જના DIG તરીકે સેવા આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. ૧૨મી નવેમ્બરના રોજ કેન્દ્ર સરકારે આ ઘટનાને લઈને કેબિનેટ બેઠક યોજી હતી. આ બેઠકમાં સુરક્ષા સંબંધિત અનેક ર્નિણયો લેવામાં આવ્યા હતા. જોકે, સૌથી નોંધપાત્ર ર્નિણય ભારતની ગુપ્તચર એજન્સી, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના ચીફ પરાગ જૈનની નિમણૂકનો હતો. IPS અધિકારી પરાગ જૈનને કેબિનેટ સચિવાલયમાં સચિવ (સુરક્ષા)નો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. દિલ્હીની ઘટના બાદ આ નિમણૂકને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

પરાગ જૈન ૧૯૮૯ બેચના પંજાબ કેડરના IPS અધિકારી છે. તેમને પહેલી જુલાઈ ૨૦૨૫ના રોજ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરાગ જૈન પંજાબમાં અનેક આતંકવાદ વિરોધી કામગીરીમાં સામેલ રહ્યા છે. તેમણે ભટિંડા, માનસા અને હોશિયારપુર જેવા સ્થળોએ મહત્ત્વપૂર્ણ ઓપરેશન મુખ્ય ભૂમિકા ભજવી છે. અગાઉ તેમણે ચંદીગઢના SSP અને લુધિયાણા રેન્જના DIG તરીકે સેવા આપી હતી.
ઇન્ટેલિજન્સ વર્તુળોમાં પરાગ જૈન સુપર જાસૂસ
ઇન્ટેલિજન્સ વર્તુળોમાં પરાગ જૈનને સુપર જાસૂસ તરીકે ઓળખવામાં આવે છે. તેમને HUMINT (હ્યુમન ઈન્ટેલિજન્સ) અને TECHINT (ટેકનિકલ ઈન્ટેલિજન્સ) બંનેમાં કુશળતા હોવાનું કહેવાય છે.આ ઉપરાંત પરાગ જૈનને કાશ્મીર ક્ષેત્રમાં નોંધપાત્ર અનુભવ છે. RAW ના ચીફ બનતા પહેલા તેમણે RAW ની અંદર એવિએશન રિસર્ચ સેન્ટરનું નેતૃત્ત્વ કર્યું હતું. ARC નું કામ એરિયલ સર્વેલન્સ, ઈમેજરી ઈન્ટેલિજન્સ , સરહદ દેખરેખ અને ફોટો રિકોનિસન્સ ફ્લાઇટ્સથી જાસૂસી કરવાનું છે.
૧૨મી નવેમ્બરના રોજ જાહેર કરાયેલા એક આદેશમાં IPS પરાગ જૈનને કેબિનેટ સચિવાલયમાં સચિવ (સુરક્ષા) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સચિવ વડાપ્રધાન અને અન્ય VVIP ની સુરક્ષા માટે જવાબદાર છે. ૩૧મી જુલાઈથી આ પદ પર કોઈ નિયમિત નિમણૂક થઈ નથી. કેબિનેટ સચિવાલયમાં સચિવ (સુરક્ષા) સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના વહીવટી વડા છે.
SPG વડાપ્રધાન અને તેમના પરિવારની સુરક્ષા માટે જવાબદાર છે. આ પદમાં વહીવટી નેતૃત્વ, રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત બાબતો પર નીતિગત સંકલન અને દેશભરમાં કાયદા અમલીકરણ એજન્સીઓ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે. દેશમાં સ્વસ્થ સુરક્ષા પરિસ્થિતિ જાળવવા માટે વિવિધ સ્તરે કાર્યરત એજન્સીઓ વચ્ચે સંકલનની જરૂર છે. પરાગ જૈન હવે આ સંકલનને મજબૂત બનાવવાની જવાબદારી સંભાળે છે.