Last Updated on by Sampurna Samachar
નોઈડાના સેક્ટર-૭૦માં નાળામાં કાર ખાબકી
સદનસીબે ડ્રાઈવરનો જીવ બચી ગયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીને અડીને આવેલા નોઈડાના સેક્ટર-૭૦માં આવેલા બસઈ ગામ પાસે ફેઝ-૩ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે એક કાર નાળામાં ખાબકી હતી. જોકે, કારનો ચાલક યોગ્ય સમયે કારમાંથી બહાર નીકળી જતાં તેનો જીવ બચી ગયો હતો. આ અંગેની જાણ થતાં રાહદારીઓના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ પોલીસે સ્થાનિક લોકોની મદદથી કારને બહાર કાઢી હતી.

પોલીસે જણાવ્યું કે બસઈ ગામ પાસે દારૂની દુકાન નજીક ડ્રાઈવર કાર રસ્તા પર ઉભી રાખીને કંઈક સામાન લેવા ગયો હતો. ત્યારે જ કાર નાળામાં ખાબકી હતી. સ્થાનિક લોકોએ કહ્યું કે, આ નાળાને ઢાંકવા માટે અનેક વખત વહીવટીતંત્રને અરજીઓ કરવામાં આવી છે, છતાં પણ કોઈ સાંભળતું નથી.
સ્થાનિકોએ અધિકારીઓ પર બેદરકારીનો આરોપ લગાવ્યો
નોંધનીય છે કે, થોડા દિવસ અગાઉ જ નોઈડાના સેક્ટર-૧૫૦માં પાણીથી ભરેલા ખાડામાં કાર ખાબકતા એક સોફ્ટવેર એન્જિનિયર યુવરાજ મહેતાનું મોત થયું હતું, જે બાદ નોઈડા વહીવટીતંત્ર પર ઘણા સવાલો ઉઠ્યા હતા. નોઈડા સેક્ટર ૭૦ની ઘટનાએ ફરી એકવાર નોઈડા ઓથોરિટીના અધિકારીઓની બેદરકારી પર સવાલ ઉભા કર્યા છે, કારણ કે ખુલ્લા નાળાની આસપાસ કોઈ બેરિકેડિંગ કે ચેતવણીનું બોર્ડ પણ નહોતું લગાવેલું.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, આવી સ્થિતિમાં ગંભીર અકસ્માત થઈ શકતો હતો. આ ઘટના એનું ટ્રેલર જ છે. હવે તો અધિકારીઓએ આ નાળાને ઢાંકવાનું કામ તાત્કાલિક શરૂ કરી દેવું જોઈએ. દિલ્હી- -NCR માં ખુલ્લા નાળા અને ખાડા જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ગયા મહિને ગાઝિયાબાદમાં ૧૧ વર્ષનો બાળક પોતાના ઘર પાસે રમતાં-રમતાં લગભગ અઢી ફૂટ ઊંડા અને પહોળા ખુલ્લા નાળામાં પડી ગયો હતો, જેનાથી તેનું મોત થયું હતું. આ દરમિયાન સ્થાનિકોએ અધિકારીઓ પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો.
એવી જ રીતે થોડા દિવસ અગાઉ નોઈડામાં સોફ્ટવેર એન્જિનિયર યુવરાજ મહેતાના ભયાનક મોતે બધાને હચમચાવી નાખ્યા હતા. ભારે ધુમ્મસ વચ્ચે નોઈડાના સેક્ટર-૧૫૦માં તેની કાર પાણીથી ભરેલા ઊંડા ખાડામાં પડી ગઈ હતી. બીજી તરફ દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રોડ પર ખોદેલા ખાડામાં પડતાં એક બાઈકસવાર યુવકનું મોત થયું હતું.