પોલિસીનો દુરુપયોગ કરવાના કારણે કાઢી મુકાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
એપલ દ્વારા હાલમાં જ ૧૮૫ કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે. આ કર્મચારીઓ સેલરી ફ્રોડ કરી રહ્યા હતા. એપલ દ્વારા જે ચેરિટી પ્રોગ્રામ કરવામાં આવે છે, તેનો દુરુપયોગ કરી રહ્યા હોવાથી તેમને કાઢી મૂકવામાં આવ્યા હોવાની ચર્ચા છે. આ કર્મચારીઓમાં ઘણા લોકો મૂળ ભારતીય પણ છે. આ ભારતીયો અમેરિકામાં એપલમાં કામ કરતા હતા અને પોલિસીનો દુરુપયોગ કરવાના કારણે તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે.
એપલ દ્વારા નોકરીમાંથી કાઢવામાં આવેલા ૧૮૫ કર્મચારીઓમાંથી ઘણા ભારતીયો પણ છે. એપલના હેડક્વાર્ટર માં આ કર્મચારીઓ કામ કરતા હતા. તેમના દ્વારા જે ફ્રોડ કરવામાં આવ્યો હતો તેમાં પૈસાનો સમાવેશ થયો હતો. આથી, એમાં જે વ્યક્તિઓના નામ આવ્યા છે, તે 6 ને ધરપકડ વોરન્ટ નીકળી ચૂક્યા છે. જોકે, આ છ વ્યક્તિઓમાં એક પણ ભારતીય નથી.
એપલ દ્વારા કાઢવામાં આવેલા કર્મચારીઓમાં વધુ પડતી ભારતીય મૂળની વ્યક્તિઓ તેલુગુ ચેરિટી ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલી છે. આ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને એપલના કર્મચારીઓ ફ્રોડ કરતા હતા. આ ફ્રોડ બહાર આવતાં એપલ દ્વારા કડક પગલાં લઈને દરેકને કાઢી મૂકવામાં આવ્યા છે.
એપલ દ્વારા ચેરિટી પ્રોગ્રામ કરવામાં આવે છે. આથી, આ પ્રોગ્રામ હેઠળ ઓર્ગેનાઇઝેશન અથવા કમ્યુનિટી બંધ બેસતી હોય તેમને ફંડ આપવામાં આવે છે. ચેરિટીના નામે આ જે ફંડ ઓર્ગેનાઇઝેશનને આપવામાં આવે છે, તેમાંથી આ ફંડ ફરી જે-તે કર્મચારીઓ લઈ લેતા હતા. આથી કંપનીમાંથી ફંડ નીકળતું હતું, પરંતુ એ ફક્ત કર્મચારીઓના ખિસ્સામાં જતા હતા. જો આ આરોપ સાચા હોય તો તેમના પર ટેક્સ ફ્રોડનો પણ કેસ લાગી શકે છે. આ સમાચાર પૂરજોશમાં વહેતા રહ્યા છે, પરંતુ એપલ દ્વારા આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. એપલ જો આ માહિતી આપે, તો તેમના પૂર્વ કર્મચારીઓ પર ટેક્સ ફ્રોડનો પણ કેસ થઈ શકે છે. આ કારણે એપલ આ મામલે ચૂપકીદી ધાર્યું હોય એવું બની શકે છે.