Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાની કેપ્ટનની ટીમને અપીલ
ટોપ અને મિડલ ઓવર ફરી એકવાર નિષ્ફળ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત વિરુદ્ધ એશિયા કપ સુપર-૪ મેચ પહેલા પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ પોતાની ટીમને મિડલ ઓવરમાં બેટિંગને વધુ મજબૂત કરવાની અપીલ કરી છે. તેનું આ નિવેદન યુએઈ સામે ૪૧ રનોથી જીત બાદ આવ્યું છે. આ જીત સાથે જ પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટના આગલા રાઉન્ડમાં પહોંચી ગઈ છે, પરંતુ ટીમની બેટિંગની પોલ ખુલી ગઈ છે.
મેચ પછી આગાએ કહ્યું કે, અમે કામ તો પૂરું કરી લીધું, પરંતુ અમારે મિડલ ઓવરોમાં વધુ સારી બેટિંગ કરવાની જરૂર હતી. બોલરોએ સારું પ્રદર્શન કર્યું. અમે હજુ અમારી શ્રેષ્ઠ બેટિંગ નથી કરી શક્યા. જાે અમે સારું રમ્યા હોત, તો અમે ૧૭૦-૧૮૦ રન બનાવી શક્યા હોત.
નો હેન્ડશેક વિવાદ એ પહેલાથી જ કાંટાની ટક્કરને વધુ હવા આપી
શાહીન મેચ વિનર છે, તેની બેટિંગમાં સુધારો થયો છે. અબરાર શાનદાર રહ્યો છે, તે અમને ગેમમાં વાપસી કરાવી રહ્યો છે. અમે કોઈપણ પડકાર માટે તૈયાર છીએ. જો અમે સારું ક્રિકેટ રમીએ, તો અમે કોઈપણ ટીમ સામે મજબૂત બની શકીએ છીએ.
પાકિસ્તાને યુએઈ સામે ૧૪૬/૯ રન બનાવ્યા હતા, જેમાં શાહીન શાહ આફ્રિદીએ ૧૪ બોલમાં અણનમ ૨૯ રન બનાવીને સ્કોરને સન્માનજનક બનાવ્યો હતો. જોકે, ટોપ અને મિડલ ઓવર ફરી એકવાર નિષ્ફળ ગયા. સૈમ અયુબ ત્રણ મેચમાં ખાતુ નહોતું ખોલી શક્યો, જ્યારે આગા પણ મિડલ ઓવરોમાં સારું પ્રદર્શન ન કરી શક્યો.
કેપ્ટને ભાર મૂકીને કહ્યું કે, ૭ થી ૧૫ ઓવર વચ્ચે બેટિંગને મજબૂત બનાવવી ખૂબ મહત્વપૂર્ણ છે, જેના કારણે અમારી ટીમ વારંવાર ઓછા સ્કોર સુધી મર્યાદિત રહી છે. અમે કોઈ પણ પડકાર માટે તૈયાર છીએ. અમે બસ સારું ક્રિકેટ રમવા માગીએ છીએ, જેવું અમે છેલ્લા કેટલાક મહીનાઓથી રમી રહ્યા છીએ.
ભારત સામેની આગામી મેચ ખૂબ જ રસપ્રદ બનશે. ભારતે બંને ટીમો વચ્ચેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ સાત વિકેટથી જીતી હતી, પરંતુ મેચ પછી ભારતીય ટીમ દ્વારા હાથ ન મિલાવવાની ઘટના ચર્ચામાં રહી હતી.
આ વિવાદ આ વર્ષે પહલગામ આતંકવાદી હુમલા સાથે જોડાયેલા રાજનીતિક તણાવો સાથે જોડવામાં આવ્યો. નો હેન્ડશેક વિવાદ એ પહેલાથી જ કાંટાની ટક્કરને વધુ હવા આપી છે. હવે બંને ટીમો સુપર-૪માં છે, તેથી મેચ વધુ રોમાંચક બની ગઈ છે.