Last Updated on by Sampurna Samachar
કોઈ ડોકયુમેંટ વગર આધાર કાર્ડ બનાવી આપવાની લાલચમાં વસૂલી
નવું આધારકાર્ડ બનાવી આપવા માટે રૂ. ૩૨,૦૦૦ની લાંચ માંગી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ કલેક્ટર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં નવું આધારકાર્ડ બનાવી આપવા માટે રૂ. ૩૨,૦૦૦ની લાંચ માંગનાર બે કરાર આધારિત કર્મચારીઓ અને એક વચેટિયાને રંગેહાથે ઝડપી લેવામાં આવ્યા છે.

શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એ એક મોટી સફળતા મેળવી છે. અમદાવાદ કલેક્ટર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં નવું આધારકાર્ડ બનાવી આપવા માટે રૂ. ૩૨,૦૦૦ની લાંચ માંગનાર બે કરાર આધારિત કર્મચારીઓ અને એક વચેટિયાને રંગેહાથે ઝડપી લેવામાં આવ્યા છે.
ACBએ આ મામલે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી
એક ૩૬ વર્ષીય અરજદારને લોન મેળવવા માટે આધારકાર્ડની તાતી જરૂર હતી. જોકે, તેમની પાસે જરૂરી જન્મનું પ્રમાણપત્ર કે એલ.સી. નહોતું. વર્ષ ૨૦૨૩ના નવા નિયમો મુજબ, જન્મના દાખલા વગર નવું આધારકાર્ડ કાઢવું અશક્ય છે. આ તકનો લાભ ઉઠાવીને કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કોઈપણ દસ્તાવેજ વગર આધારકાર્ડ બનાવી આપવાની લાલચ આપી હતી.
આરોપીઓએ આ ગેરકાયદે કામ માટે કુલ રૂ. ૩૨,૦૦૦ની માંગણી કરી હતી. જેમાં અગાઉ રૂ. ૨૫,૦૦૦ અને ત્યારબાદ બીજા રૂ. ૭,૦૦૦ માંગવામાં આવ્યા હતા. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACB નો સંપર્ક કર્યો હતો.રખિયાલ સિવિક સેન્ટર પાસે ગોઠવાયેલા છટકામાં વચેટિયા મારફતે રકમ સ્વીકારતા જ ત્રણેયને દબોચી લેવાયા હતા.
ACBએ આ મામલે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જય દિલીપકુમાર પંચોલી: કરાર આધારિત પ્યુન (વર્ગ-૪).ભાગ્યેશ રમેશભાઇ સોલંકી: કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર.સંદીપ વક્તાજી પ્રજાપતિ: ખાનગી વ્યક્તિ (વચેટિયો). તપાસમાં બહાર આવ્યું છે કે, કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકીના કહેવાથી જય પંચોલી અને વચેટિયા સંદીપે નાણાં સ્વીકાર્યા હતા.