Last Updated on by Sampurna Samachar
ઈઝરાયલના હુમલામાં સત્તાવાર ધોરણે ૪૫ લોકો માર્યા ગયા
હમાસે કેટલીક શરતો પર સંમતિ આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામના શાંતિ પ્રસ્તાવ વચ્ચે ઈઝરાયલ ગાઝામાં વિનાશ વેરી રહ્યું છે. ઈઝરાયલ દ્વારા થયેલા હુમલામાં પેલેસ્ટાઈનના ઓછામાં ઓછા ૭૦ લોકો માર્યા ગયા છે, જેમાં સાત બાળકો સમાવિષ્ટ છે. આ બાળકો બે મહિનાથી આઠ વર્ષ સુધીના હતા. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે હમાસે કેટલીક શરતો પર સંમતિ આપી હતી. તેથી ઈઝરાયલને તાત્કાલિક ધોરણે હુમલો બંધ કર્યા છે. પરંતુ ઈઝરાયલનો ગાઝા પર આ તાજો હુમલો ટ્રમ્પના દાવાને પોકળ સાબિત કરી રહ્યો છે.
વિદેશી મીડિયા રિપોર્ટ અનુસાર, ઈઝરાયલના હુમલામાં સત્તાવાર ધોરણે ૪૫ લોકો માર્યા ગયા છે. થોડા સપ્તાહમાં જ ઈઝરાયલના આક્રમક વલણના કારણે ગાઝાની ૧૦ લાખથી વધુ વસ્તી પ્રભાવિત થઈ છે. ગાઝા શહેરમાંથી લોકો મોટાપાયે સ્થળાતંર કરી રહ્યા છે. તુફાહ નજીક રહેણાંક ઈમારત પર ઈઝરાયલના હુમલાના કારણે ૧૮ લોકો માર્યા ગયા હતાં.
યુદ્ધમાં ૬૭,૦૦૦થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા
ઈઝરાયલે દક્ષિણ ગાઝામાં અલ-માવાસી ખાતે એક શિબિર પર હુમલો કર્યો હતો. દક્ષિણ ગાઝામાં આ હુમલામાં ઓછામાં ઓછા બે બાળકો માર્યા ગયા હતા અને અન્ય આઠ ઘાયલ થયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ માટે શાંતિ પ્રસ્તાવ રજૂ કરતાં જણાવ્યું હતું કે ઈઝરાયલે અસ્થાયી રૂપે હુમલા બંધ કરી દીધા છે. તેમજ હમાસે બંધકોને મુક્ત કરવામાં વિલંબ ન કરવા સલાહ આપી છે, નહીં તો ફરીથી બોમ્બમારો શરૂ થશે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ઈઝરાયલે ગાઝામાંથી તેના સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત કરી છે. પરંતુ ઈઝરાયલે ગાઝા પર હુમલા બંધ કર્યા નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે હમાસે શાંતિ પ્રસ્તાવ સ્વીકાર્યો છે. તેના સ્વીકાર સાથે જ તુરંત જ યુદ્ધવિરામ શરૂ થશે, ત્યારબાદ કેદીઓ અને બંધકોની આપ-લે થશે. હમાસનું કહેવું છે કે ઇઝરાયલે બંધકોના બદલામાં ૨,૦૦૦ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા પડશે. ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસને તેના શસ્ત્રો સોંપવા કહ્યું છે.
બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં ૬૭,૦૦૦થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. મંત્રાલયે મૃત્યુઆંકમાં ૭૦૦થી વધુ નામ ઉમેર્યા છે, અને આ આંકડાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. આનાથી મૃત્યુઆંકમાં વધવાની ભીતિ છે.
ઇઝરાયલી સૈન્યએ કહ્યું છે કે તે ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવા અને બાકીના તમામ બંધકોને પરત કરવાની યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાના પ્રથમ તબક્કાની તૈયારી કરી રહ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે સૈન્ય હવે રક્ષણાત્મક સ્થિતિમાં છે અને આક્રમક હુમલો કરશે નહીં.