Last Updated on by Sampurna Samachar
પૂરઝડપે જઈ રહેલા યુવકનું ઘટનાસ્થળે જ મોત
બાઇક પૂર ઝડપે રેલિંગ સાથે ધડાકાભેર અથડાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં બીજી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પૂરઝડપે જઈ રહેલા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

મોડી રાત્રે વેજલપુરમાં રહેતો પાર્થ કલાલ નામનો ૨૫ વર્ષીય યુવક પોતાની બાઇક લઈને જઈ રહ્યો હતો. અંધજન મંડળથી હેલ્મેટ સર્કલ તરફ જતાં GMDC ગ્રાઉન્ડની બહાર BRTS ની રેલિંગ પાસે પાર્થનું બાઇક પૂર ઝડપે રેલિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે પાર્થને ગંભીર ઈજાઓ થવાના કારણે સ્થળ પર જ તેનું મોત થયું હતું.
ગંભીર અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત
બનાવની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને પાર્થના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે આસપાસના CCTV ફૂટેજ તપાસવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં અકસ્માતની બે મોટી અને ગંભીર ઘટનાઓ બની છે. વહેલી સવારે નોકરીએ જઈ રહેલા ગાંધીનગરના ૨૧ વર્ષીય યુવકને નિરમા યુનિવર્સિટી પાસે છારોડી નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા તેનું મોત થયું હતું, જ્યારે આ બીજા બનાવમાં પૂરઝડપે જઈ રહેલા યુવકનું પણ ગંભીર અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત થયું છે.