Last Updated on by Sampurna Samachar
પર્યાવરણલક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે
પ્રોજેક્ટથી ૨૫ હજાર નવી નોકરીઓનું થશે સર્જન
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ના વિઝનને ગુજરાતમાં પોર્ટ્સ સેક્ટરના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસથી સાકાર કરવાનું એક મહત્વપૂર્ણ કદમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ભર્યું છે.

આ હેતુસર ગુજરાત મેરિટાઇમ બોર્ડ સાથે ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ દ્વારા ૧૭ હજાર કરોડ રૂપિયાના મૂડી રોકાણના સમજૂતી કરાર ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને એ. પી. મોલર-માર્સ્ક બોર્ડના અધ્યક્ષ રોબર્ટ મેર્સ્ક ઉગ્લાની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા. આ MOU નો ઉદ્દેશ્ય પીપાવાવ બંદરના કેપીસીટી એક્સપાન્શનથી રાજ્યમાં અદ્યતન ડેવલપમેન્ટ દ્વારા ગુજરાતના દરિયાઈ ક્ષેત્રને વધુ સુદ્રઢ કરવાનો છે.
સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ આપશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ MOU ની સરાહના કરતા કહ્યું કે, પીપાવાવ પોર્ટ્સના વિસ્તરણને પરિણામે ગુજરાતની ભારતના ‘મેરિટાઇમ ગેટવે’ તરીકેની પ્રસ્થાપિત થયેલી ઓળખ વધુ સુદ્રઢ થશે. એટલું જ નહિ, ગુજરાતમાં પોર્ટ્સ નેટવર્કને વધુ મજબૂત બનાવીને રાજ્યના ઉદ્યોગો, નિકાસકારો અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને સશક્ત બનાવશે.
નિકાસ અને આયાતના સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો થશે. બંદર આસપાસના વિસ્તારોમાં ઉદ્યોગો, વેરહાઉસિંગ અને સપ્લાય ચેઈનની સુવિધાઓ વિકસશે અને રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો પણ થશે. આ પ્રોજેક્ટથી પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને ૨૫ હજાર જેટલી નવી રોજગારીની તકો ભવિષ્યમાં ઊભી થશે. આ રોજગારીની તકો સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ આપશે અને ગ્રામ્ય વિસ્તારમાં જીવન સ્તરમાં પણ સુધારો લાવશે.
આ સમજૂતી કરાર દ્વારા પીપાવાવ બંદરની હાલની કન્ટેનર, બલ્ક, લિક્વિડ તથા રો-રો કાર્ગો વહન કરવાની ક્ષમતામા વધારો થવાના પરિણામે બંદરની કામગીરી વધુ અસરકારક અને ઝડપી બનશે. આ રોકાણ અંતર્ગત નવા લિક્વિડ કાર્ગો બર્થ, યાંત્રિક બલ્ક હેન્ડલિંગ સુવિધાઓ, આધુનિક કન્ટેનર ટર્મિનલ્સ, ડિજિટલ ઓપરેશન સિસ્ટમ્સ અને પર્યાવરણલક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આ સંભવિત વિસ્તરણ પછી પીપાવાવ બંદર ગુજરાતના દરિયાઇ ક્ષેત્રમાં એક નવી ઓળખ પ્રસ્થાપિત કરશે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા મેરીટાઈમ અમૃતકાલ વિઝન ૨૦૪૭ને અનુરૂપ ગુજરાતના નોન મેજર પોર્ટસની ક્ષમતા વધારીને ૨૦૪૭ સુધીમા ૩૦૦૦ સ્સ્ઁછ કરવાના લક્ષ્યાંકમાં આ વિસ્તરણ પ્રોજેકટ મહત્વપૂર્ણ બનશે.
છઁસ્ ટર્મિનલ્સ એશિયા અને મિડલ ઇસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ જોન ગોલ્ડનરે જણાવ્યું હતું કે, આ રોકાણ યોજના ફક્ત પીપાવાવ પોર્ટના વિસ્તરણ માટે નથી, પરંતુ તેનાથી ગુજરાત, ભારત અને વૈશ્વિક વેપાર માટે નવી તકો ખુલશે. તેમણે જણાવ્યું કે, તેમનું લક્ષ્ય પીપાવાવને વિશ્વ કક્ષાની કાર્યક્ષમતા અને ગ્રીન ગ્રોથનું મોડેલ બનાવવા સાથે સ્થાનિક સમુદાય માટે કાયમી સમૃદ્ધિનું નિર્માણ કરવા અને દરિયાઇ વેપારમાં ભારતનું નેતૃત્વ વધુ મજબૂત બનાવવાનું છે.
આ એમ.ઓ.યુ. થવા અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના સલાહકાર અને ય્સ્મ્ના ચેરમેન એસ. એસ. રાઠૌર, બંદરો અને વાહન વ્યવહારના અગ્ર સચિવ આર. સી. મીના, ગુજરાત મેરિટાઈમ બોર્ડના કાર્યકારી વાઈસ ચેરમેન રેમ્યા મોહન તથા મેરિટાઈમ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
માર્સ્ક અને એપીએમ ટર્મિનલ્સ તરફથી, ગ્રુપ ચીફ રિપ્રેઝન્ટેટિવ ઓફિસર રેને પેડરસન, ગુજરાત પીપાવાવ પોર્ટના મેનેજિંગ ડિરેક્ટર ગિરીશ અગ્રવાલ અને ભારત બાંગ્લાદેશ અને શ્રીલંકા ક્ષેત્રમાં માર્સ્ક માટે જાહેર નીતિ અને નિયમનકારી બાબતોના વડા વિવેક શર્મા પણ આ એમ.ઓ.યુ. અવસરે જોડાયા હતા.
 
				 
								