Last Updated on by Sampurna Samachar
ડમ્પરની ટક્કરથી એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત
ડમ્પરચાલકને આસપાસનાં લોકોએ પોલીસને સોંપ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. કઠવાડા તરફ જતાં માર્ગ પર ડમ્પરની ટક્કરથી એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. આ દરમિયાન ડમ્પરચાલકે ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાજર લોકોએ તેને ઝડપી લઈને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના કઠવાડા તરફ જતાં રોડ પર દાસ્તાન સર્કલથી પસાર થઈ રહેલા ૩૧ વર્ષીય મધુ દેવી નામના મહિલાને પાછળથી પૂરઝડપે આવતા ડમ્પરચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, મધુ દેવીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જે બાદ પોલીસે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો.
અકસ્માત સર્જીને ડમ્પરચાલકે કર્યો ભાગવાનો પ્રયાસ
જ્યારે અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા ડમ્પરચાલકને આસપાસના લોકોએ ઝડપી પાડ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ ડમ્પરચાલકને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને ડમ્પરચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ અકસ્માત સર્જનાર ડમ્પરચાલક અગાઉ પણ ગંભીર અકસ્માતો કરી ચુક્યો છે, જેમાં બે અલગ-અલગ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. વારંવાર અકસ્માત સર્જતા આ ચાલક સામે હવે પોલીસ કડક હાથે કામગીરી કરી રહી છે.