Last Updated on by Sampurna Samachar
CTM ડબલ ડેકર બ્રિજ પરથી કૂદવાનો પ્રયાસ
NSUI કાર્યકરો દ્વારા બચાવકાર્ય કરવામાં આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં આપઘાતના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં રાત્રિના સમયે CTM ડબલ ડેકર બ્રિજ પર એક યુવકે આપઘાત કરવાનો પ્રયાસ કરતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. જોકે, ત્યાંથી પસાર થઈ રહેલા NSUIના કાર્યકરોની સમયસરની કાર્યવાહી અને બહાદુરીને કારણે યુવકનો જીવ બચાવી શકાયો હતો. મળતી માહિતી મુજબ, યુવક રાત્રે બ્રિજની રેલિંગ પર ચડી ગયો હતો અને નીચે કૂદવાની તૈયારીમાં હતો.

આ દ્રશ્ય જોઈને બ્રિજ નીચે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. લોકો નીચેથી યુવકને સમજાવવા અને નીચે ઉતરવા માટે વિનંતી કરી રહ્યા હતા, પરંતુ યુવક કોઈની વાત સાંભળવા તૈયાર નહોતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા NSUIના કાર્યકરોની નજર આ યુવક પર પડી હતી. યુવક નીચે જુએ તે પહેલા જ કેટલાક કાર્યકરો ચૂપચાપ બ્રિજ પર ઉપર પહોંચી ગયા હતા.
માનસિક તણાવને કારણે કર્યો પ્રયાસ
યુવક છલાંગ લગાવવા જ જતો હતો કે તરત જ એક કાર્યકરે તેનો શર્ટ પકડી લીધો હતો. શર્ટ પકડાઈ જતા યુવકે શર્ટ કાઢીને પણ નીચે કૂદવાનો ઝનૂની પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય કાર્યકરો અને સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તેને મજબૂતીથી પકડી લીધો હતો.
યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું છે કે, યુવક મૂળ છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી છે. પારિવારિક સમસ્યાઓ અને માનસિક તણાવને કારણે તે કંટાળી ગયો હતો અને આત્મહત્યા કરવા માટે અમદાવાદ આવ્યો હતો.
ઘટનાની જાણ થતા જ રામોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. NSUI ના કાર્યકરોએ યુવકને સમજાવીને રામોલ પોલીસને સોંપ્યો હતો. પોલીસે યુવકના પરિવારનો સંપર્ક કરવાની અને તેને કાઉન્સેલિંગ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે.