Last Updated on by Sampurna Samachar
મુંબઈમાં આનંદ નામનો એક વ્યક્તિ છેલ્લા અઢી વર્ષથી બેડ પર પડેલો છે
દીકરાને પગભર કરવામાં માટે પરિવારે બધુ જ વેચી માર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશ હજી ગાઝિયાબાદના હરીશ રાણાના ઇચ્છામૃત્યુના કેસની ચર્ચામાંથી બહાર નથી આવ્યો, ત્યાં મુંબઈથી આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઈનો ૩૫ વર્ષીય આનંદ દીક્ષિત છેલ્લા ૨.૫ વર્ષથી ‘વેજિટેટિવ સ્ટેટ’ અવસ્થામાં છે. આ એક એવી અવસ્થા છે જ્યાં દિલ તો ધબકે છે પણ આત્મા ક્યાંક બીજે જ ખોવાયેલી રહે છે. આનંદના માતા-પિતા તેને પોતાના ઘરનો ‘ચિરાગ’ માને છે. ધીમે ધીમે બુઝાતા આ ચિરાગને જીવંત રાખવા માટે પરિવારે વધુ જ વેચી નાખ્યું છે.

પરિવારના જણાવ્યા અનુસાર, આ દુ:ખદ ઘડીની શરૂઆત ૨૯ ડિસેમ્બર ૨૦૨૩ની શિયાળાની ધુમ્મસભરી રાતથી થઈ હતી. ગોરખપુરમાં આનંદ એ દિવસે નવી ખરીદેલી સ્કૂટી પર સવાર હતો. સ્કૂટી ચલાવવી એ તેનું સપનું હતું, પરંતુ આ સપનાની ઉડાન જ તેની બરબાદીનું કારણ બની ગઈ. ધુમ્મસમાં થયેલા એ ભયાનક અકસ્માત બાદ આનંદ ફક્ત હોસ્પિટલમાં મશીનોના સહારે જીવી રહ્યો છે. આનંદના કેરટેકર અર્જુન પ્રજાપતિ છેલ્લા ૧૮ મહિનાથી તેની આંખ ઝબકવાની અને હાથ હલાવવાની રાહ જાેઈ રહ્યા છે, પણ હજુ સુધી કોઈ બદલાવ આવ્યો નથી.
આનંદના ધબકારાને જીવંત રાખવા અત્યાર સુધી ૪ કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ
સારવાર માટે જમીન અને આખી જિંદગીની કમાણી વેચી નાખી છે. જ્યારે પરિવાર મુંબઈના કોકિલાબેન અને લોટસ જેવી હોસ્પિટલોમાં દીકરાના જીવ માટે લડી રહ્યો હતો, ત્યારે BMCએ તેમના એકમાત્ર ઘર પર બુલડોઝર ફેરવી નાખ્યું. તો બીજી તરફ ઇન્શ્યોરન્સ કંપનીએ પણ સાથ ન આપ્યો.
પરિવારનો આરોપ છે કે કેર હેલ્થ ઇન્શ્યોરન્સે તેમનો મેડિકલ ક્લેમ ફગાવી દીધો હતો, જેના કારણે તેમને ૫૦ લાખની વધારાની લોન લેવી પડી હતી.લોકોનું માનવું છે કે, આવા પરિવારોને બચાવવા માટે યોગ્ય સિસ્ટમની જરૂર છે. જ્યાં કાયદો ઇચ્છામૃત્યુની વાત કરે છે, ત્યાં એક માની આશા માટે આવા શબ્દોનો કોઈ અર્થ નથી. આનંદની મા આજે પણ તેના મોંઘા કપડા, ઘડિયાળ અને મોબાઇલ સાચવીને રાખે છે.
તેમને આશા છે કે એક દિવસ દીકરો જાગશે અને મમ્મી-પપ્પા કહીને તેમને બોલાવશે. દીક્ષિત પરિવારનો આ કેસ એક ચેતવણીરૂપ કિસ્સો પણ કહી શકાય. જ્યાં સુધી ઇન્શ્યોરન્સ અને મેડિકલના કાયદા નથી બદલાતા, ત્યાં સુધી ‘વેજિટેટિવ સ્ટેટ’ માત્ર દર્દી માટે નહીં, પણ આખા પરિવાર માટે મૃત્યુની સજા બની જાય છે.