Last Updated on by Sampurna Samachar
SIR અભિયાન દરમિયાન કામગીરીનો ટાર્ગેટ પૂરો ન થયો
ખિસ્સામાંથી એક ત્રણ પાનાની સ્યૂસાઇડ નોટ મળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા મતદાર વિશેષ પુનરીક્ષણ અભિયાનને કારણે સર્જાયેલા પ્રેશર કુકર જેવી સ્થિતિમાં વધુ એક કર્મચારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મુરાદાબાદમાં BLO નું કામ કરતા ૪૫ વર્ષીય શિક્ષક સર્વેશ સિંહએ સવારે પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

પોલીસને સર્વેશ સિંહના ખિસ્સામાંથી એક ત્રણ પાનાની સ્યૂસાઇડ નોટ મળી છે. બેઝિક શિક્ષા અધિકારીને સંબોધેલા આ પત્રમાં શિક્ષકે સ્પષ્ટ લખ્યું છે કે તે ટાર્ગેટના ટેન્શન અને અધિકારીઓના દબાણ ને કારણે આત્મહત્યા કરી રહ્યા છે. સર્વેશ સિંહે તેની સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે “રાત-દિવસ કામ કરતો રહ્યો, છતાં SIR નો ટાર્ગેટ હાંસલ કરી શકતો નથી. રાત મુશ્કેલી અને ચિંતામાં કપાય છે. માત્ર ૨ થી ૩ કલાક જ ઊંઘી શકું છું,”
UP માં અત્યાર સુધીમાં સાત BLO કર્મચારીઓના મૃત્યુ
સર્વેશ સિંહે પોતાની ૪ નિર્દોષ દીકરીઓની ચિંતા પણ વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે મારી બે દીકરીઓની તબિયત ખરાબ છે અને મારે જીવવું હતું, પરંતુ બેચેની અને ગૂંગળામણના કારણે મરવા માટે મજબૂર છું. યુપીમાં SIR અભિયાન શરૂ થયા બાદ અત્યાર સુધીમાં સાત BLO કર્મચારીઓના મૃત્યુ થયા છે, જેમાંથી ત્રણ કિસ્સા આત્મહત્યાના છે.
નવંબર ૨૫ (ફતેહપુર): BLO નું કામ કરતા લેખપાલ રામલાલ કોરીએ પોતાના લગ્નના એક દિવસ પહેલાં જ આત્મહત્યા કરી લીધી હતી. તેમને રજા મળી રહી નહોતી અને અધિકારીઓ સસ્પેન્ડ કરવાની ધમકી આપી રહ્યા હતા.
નવંબર ૨૫ (ગોંડા): BLO વિપિન યાદવે ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલાં વાયરલ થયેલા વીડિયોમાં તેમણે SDM સહિત અધિકારીઓ પર દબાણનો આરોપ લગાવ્યો હતો.
નવંબર ૩૦ (મુરાદાબાદ): શિક્ષક સર્વેશ સિંહનું ટાર્ગેટના દબાણમાં આત્મહત્યા.
આ ઉપરાંત, અન્ય ચાર BLO (શોભા રાની, આશિષ મૌર્ય, સર્વેશ ગંગવાર અને વિજય કુમાર) નું ડ્યુટી દરમિયાન હાર્ટ એટેક અને બ્રેઈન હેમરેજ જેવા અન્ય કારણોથી નિધન થયું છે. આ ઘટના બાદ સર્વેશ સિંહના પરિજનોએ ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે દસ મિનિટમાં જ તેમને સમજાવીને રસ્તો ખોલાવી દીધો.
સર્વેશ સિંહ જ નહીં, પણ યુપીનું વહીવટી તંત્ર જાણે છે કે સરકારી લક્ષ્યોને વિકાસ ની વ્યાખ્યામાં રાખવા માટે માનવીય સંવેદનશીલતા બલિ ચઢાવવી પડે છે. આ ઘટના ફરી એકવાર ડબલ એન્જિનની સરકાર હેઠળ અધિકારીઓના અમાનવીય દબાણની પોલ ખોલે છે, જ્યાં કર્મચારીઓ માટે ફરજ એ જીવન કરતાં વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે.