Last Updated on by Sampurna Samachar
૭ થી ૧૦ જેટલા લાભાર્થીઓને કોલ કરીને ફસાવામાં આવતા
કોઇ અજાણ્યા કોલ પર ખાનગી વિગતો આપવી નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓને નિશાન બનાવતું એક મોટું સાયબર ફ્રોડ ષડયંત્ર સામે આવ્યું છે. ઠગબાજો દ્વારા પોતાને ‘આંગણવાડી કેન્દ્ર પી.એમ ઓફિસ ગાંધીનગરથી‘ બોલતા હોવાનું જણાવીને ભોળી પ્રજાના બેન્ક ખાતામાંથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, કાલોલ તાલુકાના શામળદેવી ગામમાં આ પ્રકારની ઘટનાઓ બની છે. ફ્રોડ કરનારાઓ ૯૧૫૩૦૬૨૪૯૯ નંબર પરથી ૭ થી ૧૦ જેટલા લાભાર્થીઓને કોલ કરીને તેમને જાળમાં ફસાવે છે. ફ્રોડ કરનાર ઇસમ કોલ શરૂ કરતાં જ તમારા વિસ્તારના આંગણવાડી કેન્દ્રનું નામ, લાભાર્થી મહિલાનું નામ અને આંગણવાડી સંચાલકનું નામ જેવી ચોક્કસ વિગતો આપશે, જેનાથી લાભાર્થીને વિશ્વાસ બેસે છે.
લાભાર્થીઓને સરકારી વિભાગ તરફથી કોઇ કોલ આવે નહીં
કોલ પર ઠગબાજો જણાવે છે કે, ‘તમારી પત્નીની ડિલિવરી સમયે મળતા ૧૨,૫૦૦ રૂપિયાનું ફોર્મ તમે ભર્યું હતું, તે પૈસા આવી ગયા છે, પરંતુ તમે તમારી પત્નીની બેંકની વિગતો આપી નથી. ત્યાર બાદ તે તમારી પત્નીનો આધારકાર્ડ નંબર જણાવીને તેને મેચ કરવા જણાવે છે. અંતે તમારા ખાતામાં બેલેન્સ ઓછું છે અથવા અન્ય કોઈ બહાનું કાઢીને OTP માંગે છે અને OTP મળતાં જ બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડીને ફ્રોડ આચરે છે.
કાલોલ ICDS વિભાગમાં આ અંગે તપાસ કરવામાં આવતાં સ્પષ્ટ થયું છે કે, લાભાર્થીઓને સરકારી યોજનાના નામે વિભાગ તરફથી કોઈ કોલ કરવામાં આવતાં નથી. આ ઘટનાના પગલે સ્થાનિક પ્રજાને સજાગ રહેવાની અને અજાણ્યા કોલ પર બેન્કની કે આધાર કાર્ડની કોઈપણ વિગતો કે OTP ન આપવાની તાકીદ કરવામાં આવી છે.