Last Updated on by Sampurna Samachar
અદ્યતન ટેકનોલોજીથી નંદઘરો માત્ર ૬૦ દિવસમાં જ નિર્માણ પામશે
(સંપૂર્ણ સમાચાર સેવા )
બાળકોના ઘડતરમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તે માટે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ રાજ્યમાં બિનપરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરી GSPC ના CSR ભંડોળ હેઠળ લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ (LGSF) જેવી અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી ૬૦૭ જેટલા આંગણવાડી કેન્દ્રો અને નંદઘર બનાવવાની જાહેરાત કરી છે.
લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેક્નોલોજીમાં બાંધકામની મોડ્યુલર ડિઝાઇન બનાવી પાયલોટ ટેસ્ટીંગ કરાય છે. મોડ્યુલર ડિઝાઇન ફાઇનલ થયા પછી તેના વિવિધ સ્ટીલ ફ્રેમ પાર્ટનું નિર્માણ સેન્ટ્રલ વર્કશોપમાં કરાય છે. આ અદ્યતન ટેકનોલોજીથી ભૂકંપ, ભેજ, આગ જેવી વિવિધ પરિસ્થિતિ સામે ટક્કર ઝીલી શકે તે પ્રકારના નંદઘરો માત્ર ૬૦ દિવસમાં જ નિર્માણ પામશે.
રાજ્યના દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારમાં LGSF ટેક્નોલોજીનો વપરાશ કરી વધુ ઝડપથી અને ગુણવત્તા યુક્ત આંગણવાડી કેન્દ્રનું નિર્માણ સરળતાથી થઇ શકશે. આ આંગણવાડી કેન્દ્રમાં તમામ માળખાકીય સુવિધા જેવી કે, શૌચાલય, પીવાનું પાણી, મોડ્યુલર ફર્નિચર, વોટર પ્યુરિફાયર, LED TV , હેલ્થ ચેકિંગ બેડ, ટેબલ, ખુરશી વગેરે અદ્યતન સંસાધનોનો સમાવેશ કરાયો છે.
આ ટેક્નોલોજીની મદદથી આંગણવાડી બનવાથી ઓન સાઇટ અને ઓફ સાઇટ ઝડપથી સ્ટિલ ફ્રેમ સ્ટ્રકચર બનાવી તેને ઝડપથી ઇન્સ્ટોલ કરી શકાશે. જેમાં પરંપરાગત બાંધકામ પદ્ધતિ કરતા ઝડપથી કામ પૂર્ણ થશે. આ પ્રકારની આંગણવાડીમાં ૧ ટકા કરતાં પણ ઓછો વેસ્ટ થશે તે પણ ૧૦૦ ટકા રિસાયકલેબલ બનશે.
આંગણવાડી બાંધકામ માટેના વૈકલ્પિક વિક્લ્પ તરીકે બિનપરંપરાગત પદ્ધતિ ઉપયોગ કરી GSPC ના CSR ભંડોળ હેઠળ LGSF – લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેક્નોલોજીનો વપરાશ કરી ૬૦૭ આંગણવાડી કેન્દ્રનું બાંધકામ કરવા માટેની પહેલ હાથ ધરાઈ છે.
હાલ રાજ્યમાં અંદાજે ૫૩ હજાર જેટલી આંગણવાડી કાર્યરત છે, જેમાં ૪૫ લાખથી વધુ બાળકો, મહિલા તેમજ ધાત્રી મહિલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મળી રહ્યો છે. બાળકોને ગુણવત્તાયુક્ત પોષણ અને શિક્ષણ આપી આપણે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનો નિર્માણ કરીશું.