Last Updated on by Sampurna Samachar
જેલમાંથી ચૂંટણી જીત્યા બાહુબલી અનંત
પ્રતિસ્પર્ધી વીણા દેવીને હરાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિધાનસભાની ચૂંટણી પહેલાં ઘણી વિવાદોમાં રહેલી મોકામા વિધાનસભા સીટ પરથી JD(U) ના બાહુબલી અનંત સિંહની જીત થઈ ગઈ છે. તેમણે પોતાના સૌથી નજીકના પ્રતિસ્પર્ધી વીણા દેવીને હરાવ્યા છે. વીણા દેવી પૂર્વ સાંસદ અને બાહુબલી સૂરજભાન સિંહના પત્ની છે. તેમને આરજેડી તરફથી ટિકિટ મળી હતી. આ સીટ પર ૨૫ રાઉન્ડમાં મતગણતરી થઈ હતી. જેમાં અનંત સિંહ ૨૯,૭૧૦ મતોથી જીત્યા છે.

અનંત સિંહ મોકામાથી જીતના મામલે રેકોર્ડ બનાવી રહ્યા છે. તેમણે છઠ્ઠી વખત જીત મેળવી છે. આ વખતે મોકામા વિધાનસભા સીટ ખૂબ ચર્ચામાં રહી હતી, કારણ કે અહીં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. અનંત સિંહ જે સતત પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે, તેમની ટક્કર આરજેડીના બાહુબલી સૂરજભાન સિંહની પત્ની વીણા દેવી અને જન સુરાજ પાર્ટીના પીયૂષ પ્રિયદર્શી સાથે હતી.
મોકામાના લોકોએ તેમને આશીર્વાદ આપી દીધા
જેલમાંથી ચૂંટણી જીત્યા અનંત સિંહ – પીયૂષ પ્રિયદર્શી જાતિય સમીકરણમાં ધાનુક જાતિમાંથી આવે છે અને પોતાની જાતિના મતોને એકજૂથ કરવામાં તેમણે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. જોકે, ચૂંટણી પ્રચાર દરમિયાન પીયૂષ પ્રિયદર્શી અને અનંત સિંહનો કાફલો સામ-સામે આવતાં વિવાદ સર્જાયો હતો. બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી, પથ્થરમારો થયો હતો, ગોળીઓ ચાલી હતી, જેમાં જન સુરાજના સમર્થક દુલારચંદ યાદવનું મોત થયું હતું.
આ મામલે ફરિયાદ બાદ અનંત સિંહને ન્યાયિક હિરાસતમાં જેલમાં મોકલી દેવાયા હતા. હાલ તેઓ જેલમાં જ છે, પરંતુ મોકામાના લોકોએ તેમને આશીર્વાદ આપી દીધા છે. મોકામા સીટ પર ક્યારે કોણ જીત્યું? – મોકામા વિધાનસભા સીટ ૧૯૯૦થી સતત બાહુબલીઓના કબ્જામાં રહી છે. ૧૯૯૦ અને ૧૯૯૫માં અનંત સિંહના મોટા ભાઈ દિલીપ સિંહ લાલુ પ્રસાદ યાદવ સાથે રહીને જનતા દળમાંથી જીત્યા હતા અને મંત્રી પણ બન્યા હતા. વર્ષ ૨૦૦૦માં સૂરજભાન સિંહે દિલીપ સિંહને હરાવીને જીત મેળવી હતી. પરંતુ ૨૦૦૫માં અનંત સિંહ જેડીયુની ટિકિટ પર લડ્યા અને સૂરજભાન સિંહને હરાવીને પહેલી વખત ધારાસભ્ય બન્યા હતા.
જોકે, ૨૦૦૫માં સરકાર ન બની અને રાષ્ટ્રપતિ શાસન લાગ્યું થયા બાદ એ જ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં થયેલી ચૂંટણીમાં અનંત સિંહને બીજી વખત જીત મળી હતી. ૨૦૧૦માં પણ જેડીયુની ટિકિટ પર તેઓ જીત્યા હતા, પરંતુ ૨૦૧૫માં નીતિશ સરકાર તેમની વિરુદ્ધ થઈ ગઈ અને તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા અને જીત્યા.
૨૦૨૦માં આરજેડીની ટિકિટ પર ચૂંટણી લડીને અનંત સિંહ પાંચમી વખત ધારાસભ્ય બન્યા. તેમણે જેડીયુના ઉમેદવાર રાજીવ લોચન સિંહને ૩૫,૭૫૭ મતોથી હરાવ્યા હતા. ૨૦૨૦માં અનંત સિંહને ૭૮,૭૨૧ મત મળ્યા હતા, જ્યારે જેડીયુના રાજીવ લોચન સિંહને ૪૨,૯૬૪ મત મળ્યા હતા. ૨૦૨૨માં અનંત સિંહને સજા થતાં તેમની સદસ્યતા ગઈ હતી.
ત્યાર બાદ આરજેડીની ટિકિટ પર તેમની પત્ની નીલમ દેવીએ પેટાચૂંટણી લડી અને જીત મેળવી. આ વખતે જ્યારે કોર્ટે અનંત સિંહને નિર્દોષ જાહેર કર્યા, ત્યારે તેઓ ફરીથી ૨૦૨૫માં જેડીયુની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં આવ્યા હતા.