Last Updated on by Sampurna Samachar
દીકરી ફોન પર ધીમે વાત કરે શંકા કરજો
હરિદ્વાર ખાતે ભાગવત કથાનું આયોજન કરાયું : આનંદીબેને સમાજની બદલાતી સ્થિતિ અને બદલાતા સંસ્કારો મામલે ચિંતા વ્યક્ત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના વિવિધ સમાજમાં દીકરી બચાવો મુદ્દે જંગ છેડાયો છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હરિદ્વારમાં પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ભાગવત કથામાં દીકરીઓ મુદ્દે માતાપિતાને ગંભીર ચેતવણી આપી છે. તેઓએ કહ્યું હતું કે, ફોન આવતા દીકરી બાજુના રૂમમાં જઈને વાત કરે તો ચેતી જજો, અને શંકા કરજો. મિત્રો હોઈ શકે છે, પણ ધ્યાન રાખજો દીકરી ઘર કે સ્કૂલમાંથી ભાગી ના જાય.

હરિદ્વાર ખાતે પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા ભાગવત કથાનું આયોજન કરાયું હતું. જેમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આ કથામા સમાજની બદલાતી સ્થિતિ અને બદલાતા સંસ્કારો મામલે ચિંતા વ્યક્ત કરી હતી. વધતા વૃદ્ધાશ્રમ, વેક્સિનેશન, આરોગ્ય સહિતની બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.
દીકરી માટે હવે કાળજી લેવાની જરૂર
આનંદીબેને મંચ પરથી કહ્યું હતું કે, તમારી દીકરી ૮ થી ૧૦ વર્ષની કે સગીર વયની છે, અને તેના મોબાઈલ પર કોઈનો ફોન આવે અને તે બાજુના રૂમમાં વાત કરવા જતી રહે, તો ખાસ સાચવજો. તમારી દીકરી ફોન પર ધીરે ધીરે વાત કરતી હોય, તો પણ તેના પર શંકા કરજો. દીકરી માટે હવે કાળજી લેવાની જરૂર છે કે, કંઈક ખોટું છે. આ શંકા નહિ, સાવચેતી છે.
તેઓએ કહ્યું કે, હવે સમાજમાં દીકરી-દીકરીઓને સાચવવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. ખાસ કરીને, આપણા સંતાનો આપણી નજર સામે હોવા જોઈએ. સંતાનો પર શંકા નથી કરવીં. તેમના મિત્રો પણ હોઈ શકે છે, પરંતું મિત્રોમાં પણ ફરક હોવો જો ઈએ. દીકરીઓ ફોન આવતા વાત કરવા માટે બાજુના રૂમમાં જતી રહે, તો તેના પર નજર રાખજો. જો એ ફોન પર તમારી બાજુમાં બેસીને વાત કરે છે તો સારું. પરંતુ ફોન લઈને ધીમા અવાજે બીજા રૂમમાં વાત કરે તો શંકા કરજો. ધ્યાન રાખજો કે, તે ઘરમાંથી કે સ્કૂલમાંથી ભાગી ન જાય.
આનંદીબેને વધુમાં કહ્યું કે, કથાઓમાં ભગવાનની વાતો થતી હોય છે, પરંતું મારી કથા તો આ જ છે.
મારી કથાઓમાં પોક્સો એક્ટ, શિક્ષણ અને વેક્સિન જેવી સામાજિક સુરક્ષાની વાતો જ મુખ્ય હોય છે. તો બીજી તરફ, તેઓએ વૃદ્ધાશ્રમ મુદ્દે કહ્યું હતું કે, લોકો મને વૃદ્ધાશ્રમના ઉદ્ઘાટન માટે બોલાવે છે, પણ હું નથી જતી. જો હું ત્યાં આવીશ તો એવું ભાષણ કરીશ કે અડધા વૃદ્ધો ઘરે પાછા જતા રહેશે.તેઓ પાટીદારોને પણ શીખ આપતા કહ્યું કે, હવે લેઉવા પટેલ, લેઉવા પટેલ નથી કરવાનું, જૂના સમયમાં પટેલ આખા ગામનું નેતૃત્વ કરતા અને દરેક દીકરીને પોતાની દીકરી સમજતા, એવા નિષ્કપટ સમાજની આજે જરૂર છે.