સરદાર વલ્લભભાઈ પટેલના વતન ગામને સ્પેશિયલ દરજ્જો મળવો જોઈએ તેવી માંગણીઓ થઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદ મહાનગરપાલિકામાં કરમસદ ગામનો સમાવેશ કરાયો છે, જેના વિરોધમાં સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ગામમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું. તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સત્તાવાર રીતે આણંદને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવ્યું હતું. આણંદ મહાનગરપાલિકામાં સરદાર વલ્લભભાઈ પટેલના વતન કરમસદ ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો ગ્રામજનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ અંતર્ગત સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ગામમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું.
કરમસદ ગામના તમામ નાના-મોટા વેપારીઓ આ બંધમાં જોડાયાં હતા. જેથી ગામ આખું સજ્જડ બંધ જોવા મળ્યું હતું . ત્યારે કોઈ અણબનાવ ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. શાળા-કોલેજોમાં રજા અપાઈ, મંદિરો પણ બંધ રખાયા કરમસદ ગામમાં આવેલ બેંકો અને મેડિકલ સ્ટોર સિવાય તમામ દુકાનો-ઓફિસો બંધ રાખવામાં આવી . સાથે-સાથે ટ્રસ્ટ સંચાલિત વિવિધ શાળા-કોલેજોમાં પણ રજા આપવામાં આવી હતી.
તદુપરાંત મોટાભાગના મંદિરો પણ ખોલવામાં આવ્યા નહિ.સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ મિથીલેશ અમીને જણાવ્યું હતું કે, સરકારે સરદાર સાથે છેતરપિંડી કરી છે, દગો કર્યો છે અને વિશ્વાસઘાત કર્યો છે. મોદી સરકાર અને તેમના મંત્રીઓ મતોની લાલચમાં વખતોવખત આ જ સરદાર વલ્લભભાઈ પટેલના ગામમાં આવી સરદાર પટેલના સ્ટેચ્યૂ ઉપર હાર ચઢાવી જય સરદારના નારા લગાવ્યા હતા અને અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વતન ગામને સ્પેશિયલ દરજ્જો મળવો જોઈએ તેવી માંગણીઓ કરી હતી.
પરંતુ મોદી સરકાર હવે વાયદા અને વચનોથી ફરી ગઈ છે, સરદાર સાથે દગો કર્યો છે. અમીને વધુમાં જણાવ્યું હતું કે, તેમ છતાં મોદી સરકારે રાતોરાત ચોરની જેમ અંધારામાં સરદાર વલ્લભભાઈ પટેલના ગામ કરમસદના અસ્તિત્વનો નાશ કરીને હિન્દુસ્તાનના નક્શામાંથી નેસ્તનાબુદ કરી દીધું છે. સરકારે સરદાર પટેલની વિચારધારાને પતાવવાનું કામ કર્યું છે અને જો સરદાર પટેલની વિચારધારા ખતમ થશે તો જ સાવરકરની વિચારધારાનો જન્મ થશે તેવી દ્વેષભાવના સાથે સરકાર કામ કરી રહી છે. જેના વિરોધમાં સંપૂર્ણ કરમસદ બંધ હતું.