Last Updated on by Sampurna Samachar
મિત્રતાના બહાને ૨૫ લાખનું સાયબર ફ્રોડ આચર્યું
ત્રણ જ દિવસમાં ૨૫ લાખથી વધુના ટ્રાન્ઝેક્શન કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદ શહેરમાં મિત્રતા કરવી મિત્રને ભારે પડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના મોગરી વિસ્તારમાં આવકવેરા બચાવવાના બહાને મિત્રના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતા ‘બંટી-બબલી‘ જેવી જોડીને આણંદ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડી છે.

મળતી માહિતી મુજબ મોગરીના વિપુલભાઈ પટેલનો પરિચય ત્રણ માસ પૂર્વે મહેસાણાના દક્ષેશ પટેલ અને સુરતની શિવાની ડબગર સાથે થયો હતો. આ બંનેએ વિપુલભાઈનો વિશ્વાસ જીતીને જણાવ્યું કે, તેમના ધંધામાં ઇન્કમટેક્સ વધુ આવતો હોવાથી જો તેઓ વિપુલભાઈનું બેંક એકાઉન્ટ વાપરે તો ટેક્સ બચાવી શકાય. મિત્રતાના દાવે વિપુલભાઈએ પોતાના બેંક એકાઉન્ટની વિગતો તેમને આપી હતી.
આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર પ્રફુલ હાલ આફ્રિકામાં
આરોપીઓએ નવેમ્બર ૨૦૨૫માં માત્ર ત્રણ જ દિવસમાં વિપુલભાઈના ખાતામાં ૨૫ લાખથી વધુના ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આટલા મોટા પાયે શંકાસ્પદ વ્યવહારો થતા બેંક ઓફ બરોડાનું ખાતું ફ્રીઝ થઈ ગયું હતું. તપાસ કરતા જાણવા મળ્યું કે, આ ખાતામાં જે નાણાં આવ્યા હતા તે દેશના વિવિધ રાજ્યો જેવા કે આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં નોંધાયેલા સાયબર ક્રાઈમના ગુનાઓના હતા.
વિપુલભાઈની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પી.આઈ. સી.પી. ચૌધરીએ અમુલ ડેરી રોડ પર વોચ ગોઠવી કારમાં આવતા દક્ષેશ અને શિવાનીને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી નીચે મુજબનો રોકડ રકમ ૩,૫૦,૦૦૦, ડેબિટ/ક્રેડિટ કાર્ડ ૧૦ નંગ, ચેકબુક/પાસબુક ૧૩ નંગ, મોબાઈલ ફોન ૦૬ નંગ, કાર સહિત કુલ મુદ્દામાલ: ૧૧,૮૦,૦૦૦ મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર પ્રફુલ હાલ આફ્રિકામાં બેસીને સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવે છે. પકડાયેલા બંને આરોપીઓ લીવ-ઈન રિલેશનમાં રહે છે અને અગાઉ પણ અમદાવાદ-આણંદમાં ગુનાઓમાં સંડોવાયેલા છે. તેઓ સાયબર ગુનેગારો વતી કમિશન પર ભાડે રાખેલા એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવાનું કામ કરતા હતા.