Last Updated on by Sampurna Samachar
સતત ત્રીજા વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
અમદાવાદ શહેર અને અમદાવાદીઓ માટે ગૌરવની ક્ષણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં દર વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. અઢળક રંગબેરંગી ફૂલોથી આબેહૂબ પ્રતિકૃતિઓને બનાવવામાં આવે છે.ત્યારે આ વર્ષે પણ ફ્લાવર શોએ વૈશ્વિક સ્તરે પોતાનો ડંકો વગાડ્યો છે. સતત ત્રીજા વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોડર્સમાં સ્થાન મેળવ્યુ છે. આ સિદ્ધિ બદલ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ તરફથી સત્તાવાર સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે, જે શહેર માટે ગૌરવની ક્ષણ છે.

૩૦ મીટરનું ફ્લાવર મંડળ આ વર્ષના ફ્લાવર શોમાં એન્જિનિયરિંગ અને આર્ટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. અહીં અંદાજે ૩૦ મીટર લાંબુ વિશાળ ફ્લાવર મંડળ તૈયાર કરવામાં આવ્યું છે. આ મંડળ તેની ભવ્યતા અને ફૂલોની સજાવટના કારણે મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને આ જ વિશેષતાએ તેને વર્લ્ડ રેકોર્ડની યાદીમાં સ્થાન અપાવ્યું છે.
આ વર્ષનો ફ્લાવર શો માત્ર એક પ્રદર્શન નહીં પણ ઉત્સવ
સરદાર પટેલનું ફૂલ ચિત્ર વર્લ્ડ રેકોર્ડની સાથે સાથે કળાના ક્ષેત્રમાં પણ આ શોએ એક અલગ છાપ ઉભી કરી છે. શોમાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું અત્યંત સુંદર અને આબેહૂબ ફ્લાવર પોટ્રેટ બનાવવામાં આવ્યું છે. વિવિધ રંગના જીવંત ફૂલો દ્વારા તૈયાર કરાયેલ આ ચિત્ર રાષ્ટ્રીય ગૌરવની સાથે પ્રકૃતિના અદભૂત સમન્વયને દર્શાવે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ દર વર્ષે નવા શિખરો સર કરી રહ્યો છે. સતત ત્રણ વર્ષથી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એન્ટ્રી મેળવવી એ આયોજકોની મહેનત અને સર્જનાત્મકતાનું પરિણામ છે. આ રેકોર્ડથી માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતનું નામ વિશ્વના પ્રવાસન નકશા પર વધુ મજબૂત બન્યું છે. લાખોની સંખ્યામાં ઉમટી પડતા મુલાકાતીઓ માટે આ વર્ષનો ફ્લાવર શો માત્ર એક પ્રદર્શન નહીં, પરંતુ એક ઉત્સવ બની રહ્યો છે.