Last Updated on by Sampurna Samachar
ખેડૂતનું રાતોરાત નસીબ બદલાયું, લાગી લોટરી
પંજાબના ખેડૂતે ૭ રૂપિયાની લોટરી ટિકિટ ખરીદી અને જીત્યો ૧ કરોડનો જેકપોટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાતોરાત કરોડપતિ બની જવાય તે વાત સાંભળી છે. પરંતુ હવે તે વાત હકીકતમાં સામે આવી છે. પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લાના એક સામાન્ય ખેડૂત પર નસીબ મહેરબાન થતા તે રાતોરાત કરોડપતિ બની ગયો છે. મજરી સોઢિયા ગામના નિવાસી બલકાર સિંહે માત્ર ૭ રૂપિયાની લોટરી ટિકિટ ખરીદી હતી, જેમાં તેમને ૧ કરોડ રૂપિયાનો બમ્પર જેકપોટ લાગ્યો છે.

બલકાર સિંહે ૨૪ ડિસેમ્બરના રોજ સરહિંદમાં એક સ્થાનિક સ્ટોલ પરથી સિક્કિમ સ્ટેટ લોટરીની ટિકિટ ખરીદી હતી. જો કે, તે સમયે શહીદીને લગતા કાર્યક્રમો ચાલી રહ્યા હોવાથી બલકાર સિંહ લંગર સેવામાં વ્યસ્ત હતા.
છેલ્લા એક દાયકાથી સ્ટોલ પરથી લોટરીની ટિકિટ ખરીદતા
બીજી તરફ, ધાર્મિક આયોજનના કારણે લોટરીનો સ્ટોલ પણ થોડા દિવસો માટે બંધ હતો. નવાઈની વાત એ છે કે, ડ્રો તે જ દિવસે થયો હતો, પરંતુ બલકાર સિંહને તેની જીતની જાણકારી ઘણાં દિવસો પછી મળી. લોટરી સ્ટોલના માલિક મુકેશ કુમાર બિટ્ટુએ તેમનો સંપર્ક કર્યો ત્યારે તેમને આ સમાચાર મળ્યા હતા.
બલકાર સિંહ છેલ્લા એક દાયકાથી તે જ સ્ટોલ પરથી લોટરીની ટિકિટ ખરીદતા હતા. આ દરમિયાન તેમણે નાની-મોટી રકમ અને એકવાર રૂ. ૯૦ હજારનું ઈનામ પણ જીત્યું હતું. ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા બલકાર સિંહે આ જીતને ભગવાનના આશીર્વાદ ગણાવ્યા છે. હવે બલકાર સિંહે ભાવિ યોજનાઓ વિશે વાત કરતા કહે છે કે, આ રકમના ઉપયોગથી હું અત્યાધુનિક ખેતી કરીશ અને ખેતીના સારા સાધનો વસાવીશ. આ ઉપરાંત ઈનામની રકમનો ૧૦ ટકા હિસ્સો જરૂરિયાતમંદ લોકોની મદદ માટે વાપરીશ.
લોટરી સ્ટોલ ચલાવતા મુકેશ કુમાર બિટ્ટુએ જણાવ્યું કે હું છેલ્લા ૪૫ વર્ષથી આ વ્યવસાયમાં છે. અગાઉ આ સ્ટોલ પરથી લોકોએ રૂ. ૧૦ લાખ રૂપિયા સુધીના ઈનામો જીત્યા છે, પરંતુ ૧ કરોડ રૂપિયાનો જેકપોટ પહેલીવાર નીકળ્યો છે.