Last Updated on by Sampurna Samachar
શંકરાચાર્ય દ્વારા સ્નાન કરવા માટે બહિષ્કાર કરતાં વિવાદ
પોલીસના મોટા અધિકારીએ મારી નજર સામે મારા શિષ્યોને થપ્પડ મારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મૌની અમાસના પવિત્ર અવસર પર જ્યાં એક તરફ સંગમ નગરી પ્રયાગરાજમાં કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે સ્નાન કરવાનો ઇનકાર કરીને એક મોટો વિવાદ સર્જ્યો છે. તેમણે પ્રશાસન પર તેમના શિષ્યો સાથે મારપીટ કરવાનો અને માર મારવા માટે ઈશારા કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

શંકરાચાર્યએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, પોલીસના મોટા મોટા અધિકારી મારી નજર સામે મારા શિષ્યોને થપ્પડ મારી રહ્યા હતા. છાતીમાં મારીને નીચે પાડી દીધા. આ દૃશ્યો જોઈને મેં નક્કી કર્યું કે આજે સ્નાન કરવા નથી જવું. અમે પરત ફરવા લાગ્યા તે પછી પણ પોલીસ મારતી રહી. પોલીસને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જ આદેશ આપ્યા હશે. કુંભમેળામાં નાસભાગ મામલે મેં યોગી આદિત્યનાથને જવાબદાર ઠેરવ્યા હતા. ત્યારથી જ તેઓ મારા પર ગુસ્સે છે અને આજે બદલો લઈ રહ્યા છે.
ડ્રોન કેમેરાથી સમગ્ર માઘ મેળા પર બાજ નજર
પ્રયાગરાજના ડિવિઝનલ કમિશનર સૌમ્યા અગ્રવાલે સમગ્ર મામલે કહ્યું કે, સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મંજૂરી વિના આગળ વધી રહ્યા હતા અને પોલીસના બેરિકેડ પણ તોડ્યા. તેમને રોકીને અપીલ કરવામાં આવી કે તમે સામાન્ય શ્રદ્ધાળુની જેમ સ્નાન કરી લો. કારણ કે સંગમ પર લાખોની ભીડ હતી અને કોઈ પણ અનિચ્છનિય ઘટના થઈ શકે તેમ હતી. તેમ છતાં તેઓ માન્યા નહીં અને ત્રણ કલાક સુધી રસ્તો રોકી રાખ્યો. તેમણે અવ્યવસ્થા ફેલાવી.
શંકરાચાર્યના વિવાદ વચ્ચે, મૌની અમાસ પર પ્રયાગરાજમાં આસ્થાનો મહાસાગર ઉમટ્યો છે. મોડી રાત્રે ૧૨ વાગ્યાથી જ શ્રદ્ધાળુઓનો પ્રવાહ સંગમ તરફ શરૂ થઈ ગયો હતો.
આટલી મોટી ભીડને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા સુરક્ષાનો અભૂતપૂર્વ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. સ્નાન ઘાટો પર જલ પોલીસ સહિત અનેક ટીમો તૈનાત કરાઇ હતી. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, કેમેરા અને ડ્રોન કેમેરાથી સમગ્ર માઘ મેળા પર બાજ નજર રાખવામાં આવી હતી.