Last Updated on by Sampurna Samachar
11 વર્ષની માસૂમ બાળકી સાથે છેડતીનો બનાવ
પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને દબોચી લીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના અમરોલી વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ ૬ માં અભ્યાસ કરતી માત્ર 11 વર્ષની માસૂમ બાળકી શારિરિક છેડતીનો શિકાર બની હતી. જોકે, અમરોલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બંને નરાધમોને ઝડપી પાડી ભરેલા બજારે કાયદાનું ભાન કરાવ્યું છે.

માસૂમ બાળા જ્યારે સ્કૂલેથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે બે મિત્રોએ તેનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. રસ્તામાં આ નરાધમોએ હદ વટાવી દીધી અને જાહેરમાં બાળકીનો હાથ પકડી પોતાની તરફ ખેંચી બિભત્સ હરકતો કરી હતી. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી રાજકુમાર યાદવ અને મુકેશ મીરને દબોચી લીધા હતા.
આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું
પોલીસે માત્ર ધરપકડ જ ન કરી, પરંતુ બંને આરોપીઓને તે જ ઘટના સ્થળે લઈ જઈને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસના આકરા વલણને જોઈને વિકૃત માનસ ધરાવતા બંને યુવકો ફફડી ઉઠ્યા હતા અને ભરેલા બજારે બે હાથ જોડીને પોતાની ભૂલ બદલ માફી માંગી હતી. પોલીસની આ સખત કાર્યવાહીની વિસ્તારના લોકોએ પ્રશંસા કરી છે. આ કાર્યવાહી દ્વારા પોલીસે મેસેજ આપ્યો છે કે મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા સાથે ચેડાં કરનાર કોઈપણ તત્વને છોડવામાં આવશે નહીં.