Last Updated on by Sampurna Samachar
લખતર-વિરમગામ હાઇવે પર બે ડમ્પર વચ્ચે અકસ્માત
અચાનક ગાય આડી ઉતરતા આગળ જઈ રહેલા ડમ્પર ચાલકે બ્રેક મારતા પાછળ આવી રહેલું ડમ્પર તેમાં ધડાકાભેર અથડાયું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઇવે પર આજે વહેલી સવારે બે ડમ્પર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર અચાનક ગાય આડી ઉતરતા આગળ જઈ રહેલા ડમ્પર ચાલકે બ્રેક મારતા પાછળ આવી રહેલું ડમ્પર તેમાં ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં પાછળના ડમ્પરના કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, પરંતુ ચાલકનો આબાદ બચાવ થયો છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, વહેલી સવારે સુરેન્દ્રનગર તરફથી વિરમગામ તરફ જઈ રહેલા બ્લેક ટ્રેપ ભરેલા એક ડમ્પર સામે અચાનક ગાય આવી ગઈ હતી.ગાયને બચાવવા માટે ચાલકે અચાનક જોરદાર બ્રેક મારી હતી. આ દરમિયાન પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલું બીજું ડમ્પર આગળના ડમ્પરના પાછળના ભાગે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો ભીષણ હતો કે પાછળના ડમ્પરના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું.
વાહન લઈને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો ચાલક
અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ પાછળના ડમ્પરના ચાલક અજયભાઈ ધરેજીયાને કેબિનમાંથી સહી-સલામત બહાર કાઢ્યા હતા. અજયભાઈને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.
નવાઈની વાત એ છે કે, અકસ્માત સર્જાયા બાદ આગળના ડમ્પરનો ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. અકસ્માતને પગલે હાઇવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ખેડૂતોની સતર્કતાને કારણે ચાલકને સમયસર બહાર કાઢી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.