Last Updated on by Sampurna Samachar
એક સાથે ૧૮૬ લક્ઝરી કારો ખરીદી ૨૧ કરોડ બચાવ્યા
કારોની કિંમત ૬૦ લાખથી ૧.૩૪ કરોડ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતી લોકો દુનિયાભરમાં પૈસા કમાવવા માટે જાણીતા છે. પરંતુ તેઓ પોતાની સમજદારી અને એક્તાના કારણે પૈસા બચાવવામાં પણ એક્સપર્ટ છે. હાલમાં જ એક ઉદાહરણ જોવા મળ્યું. જ્યાં જૈન સમુદાયે જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની પહેલ પર સમગ્ર ભારતમાં કમ્યુનિટીના મેમ્બર્સે એક સાથે ૧૮૬ લક્ઝરી કારો ખરીદી. આ કારોની કિંમત ૬૦ લાખથી ૧.૩૪ કરોડ હતી. આ ક્લેક્ટિવ બાઈંગથી તેમને કુલ ૨૧.૨૨ કરોડનું ભારે ડિસ્કાઉન્ટ મળ્યું. હવે તમે પોતે વિચારો કે આ કેટલું મોટું ડિસ્કાઉન્ટ છે.
દેશભરમાં JITO ના લગભગ ૬૫૦૦૦ સભ્યો છે, તેમણે ઓડી, બીએમડબલ્યુ, મર્સિડિઝ જેવી ૧૫ મોટી બ્રાન્ડના ડીલરો સાથે મળીને આ મોટું ડિસ્કાઉન્ટ મેળવ્યું છે. JITO ના વાઈસ-ચેરમેન હિમાંશુ શાહે જણાવ્યું કે એક સાથે આટલા બધા લોકો કાર ખરીદે તો તોલમોલ કરવાની તાકાત વધે છે. કંપનીઓને એકવારમાં જ વધુ વેચાણ મળે છે અને તેમનો માર્કેટિંગ ખર્ચો ઘટે છે. જેનો ફાયદો ગ્રાહકોને મોટી બચત તરીકે થાય છે.
ભરવાડ સમુદાયે પણ આ રીત અપનાવી
આ સફળતાથી ખુશ થઈને JITO હવે આ પ્રકારની ડીલને ઈલેક્ટ્રોનિક્સ, દવાઓ અને જ્વેલરી જેવા બીજા સેક્ટરમાં પણ લાવવાની તૈયારી કરી રહ્યું છે. આગળ જઈને ફકત કારો જ નહીં પરંતુ રોજગાર માટે મશીનો પણ આ રીતે ખરીદવાનું પ્લાનિંગ છે. ફક્ત જૈન સમુદાય જ આ પ્રકારે ખરીદી કરે છે એવું નથી, ભરવાડ સમુદાયે પણ આ રીત અપનાવી છે.
ભરવાડ યુવા સંગઠન ગુજરાતે સમુદાયના યુવાઓને સ્વરોજગાર શરૂ કરવામાં મદદ કરવા માટે એક સાથે ૧૨૧ JCB મશીનો ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. આ ડીલમાં તેમને પ્રત્યેક મશીન દીઠ સરેરાશ ૩.૩ લાખનું ડિસ્કાઉન્ટ મળ્યું. જેનાથી કુલ ૪ કરોડની બચત થઈ.