Last Updated on by Sampurna Samachar
૮૦૦ ફૂટ ઊંડી ખીણમાં ઈનોવા કાર ખાબકતાં ૬ લોકોના મોત
ઓવરટેક કરવાનો પ્રયાસમાં કારે કાબુ ગુમાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં વાણી ગામ નજીક ભવારી ધોધ નજીક ઘાટ વળાંક પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જ્યાં એક ઇનોવા કાર ૮૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા એક જ પરિવારના છ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. શ્રદ્ધાળુઓ સપ્તશ્રૃંગી ગડ માતા સપ્તશ્રૃંગીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અહેવાલો અનુસાર, ઘાટ રોડ પર ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે ઇનોવા કાર અચાનક કાબુ ગુમાવી દીધી અને સીધી ખીણમાં ખાબકી હતી. મૃતકોની ઓળખ કીર્તિ પટેલ (૫૦), રસીલા પટેલ (૫૦), વિઠ્ઠલ પટેલ (૬૫), લતા પટેલ (૬૦), પચન પટેલ (૬૦) અને મણિબેન પટેલ (૬૦) તરીકે થઈ છે. બધા પિંપળગાંવ બસવંતના રહેવાસી છે.
રસ્તાની ખરાબ હાલત અકસ્માતનુ કારણ હોવાની ચર્ચા
અકસ્માતની માહિતી મળતાં, પોલીસ, સપ્તશ્રૃંગી ગઢ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને ગ્રામ્ય પરિષદના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કાર જ્યાં પડી તે સ્થાન અત્યંત જોખમી અને લગભગ ઊભી, ૮૦૦ ફૂટ ઊંડી છે, જેના કારણે બચાવ ટીમ માટે નીચે ઉતરવું મુશ્કેલ બન્યું છે. મૃતદેહો હજુ સુધી મળી આવ્યા નથી.
સ્થાનિકોએ જાહેર બાંધકામ વિભાગ પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેઓનું કહેવું છે કે, ઘાટના આ વળાંક પરનો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં હતો અને વારંવાર ફરિયાદો કરવા છતાં તેનું સમારકામ કરવામાં આવ્યું ન હતું. રસ્તાની ખરાબ હાલત આ જીવલેણ અકસ્માતનું મુખ્ય કારણ હતી. નાશિકથી વધારાની બચાવ ટીમો બોલાવવામાં આવી છે, અને કામગીરી ચાલુ છે.