સ્થળ પર હાજર લોકોએ હુમલાખોરને પકડી સુખવીર સિંહનો જીવ બચાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને શિરોમણી અકાલી ચીફ સુખવીરસિંહ બાદલ પર અમૃતસરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું . મળતી માહિતી મુજબ, અમૃતસરમાં સુવર્ણ મંદિરના પ્રવેશદ્વાર પર શિરોમણી અકાલી દળના નેતા સુખવીર સિંહ બાદલ પર એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. જ્યાં સ્થળ પર હાજર લોકોએ તે વ્યક્તિને કાબુમાં લીધો હતો. આરોપીને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. સુખવીર સિંહ બાદલ ગોળીબારથી બચી ગયા હતા.
આરોપીની ઓળખ ગુરદાસપુરના ડેરાબાબા નાનકના રહેવાસી નારાયણ સિંહ ચૌડા તરીકે થઈ છે. તે દલ ખાલસાનો સભ્ય છે. ૨૦૧૩માં તેની UAPA માં ધરપકડ કરવામાં આવી હતી. આ ફાયરિંગનો વીડિયો પણ બહાર આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, નારાયણ સિંહ ગુસ્સામાં ગોલ્ડન ટેમ્પલના ગેટ સુધી પહોંચે છે. જ્યારે તે સુખવીર બાદલ પાસે પહોંચ્યો ત્યારે તેણે કમર નીચે છુપાવેલી પિસ્તોલ કાઢી અને ફાયરિંગ શરૂ કરી દીધું.
ત્યારે સુખવીર સિંહ બાદલની સુરક્ષા માટે તૈનાત કેટલાક સૈનિકોએ હુમલાખોરને તરત જ ઓળખી કાઢ્યો અને તેની ધરપકડ કરી. વીડિયોમાં જોવા મળે છે કે, ગોળી સુખવીર સિંહ બાદલને નિશાન બનવી રહી હતી પરંતુ તે ચૂકી ગઈ અને મંદિરના ગેટ પર વાગી.
અમૃતસરના સુવર્ણ મંદિર સંકુલમાં જ્યારે શિરોમણી અકાલી દળના નેતા સુખવીર સિંહ બાદલ અકાલ તખ્ત સાહિબ દ્વારા તેમના માટે જાહેર કરાયેલા ધાર્મિક દંડના ભાગરૂપે ‘સેવા’ કરી રહ્યા હતા ત્યારે ગોળીઓ ચલાવવામાં આવી હતી. સાથે જ શિરોમણિ અકાલી દળે પંજાબ પોલીસ પર પૂરતી સુરક્ષા ન આપવાનો આરોપ લગાવ્યો છે.
શિરોમણી અકાલી દળના આરોપો પર ADCP હરપાલ સિંહે દાવો કર્યો કે, અહીં મજબૂત સુરક્ષા વ્યવસ્થા હતી. સુખવીરને યોગ્ય સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું. હુમલાખોર નારાયણ સિંહ મંગળવારે પણ અહીં હતો. આજે પણ તેમણે પહેલા ગુરુને માથું નમાવ્યું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું ગોળીથી કોઈને ઈજા થઈ છે તો તેમણે ના પાડી.